ખેડૂતે અગાઉ રજૂઆત છતાં પગલાં નહીં લેવાતા સાંસદ સમક્ષ ફરિયાદ; સરકારી ખરાબામાંથી માટી-મોરમનું ખોદકામ
ખાસ-ખબર ન્યૂઝ ટંકારા
ટંકારાની ઉગમણી સીમમાં સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપી રહેલી એક ખાનગી કંપની સામે ગેરકાયદેસર ખનીજ ચોરીના આક્ષેપો થયા છે. સ્થાનિક ખેડૂતે અગાઉ તંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, તેમણે સાંસદ પરસોત્તમ રૂપાલા સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. સાંસદે ફરિયાદમાં તથ્ય જણાતાં તાત્કાલિક કલેક્ટરને પત્ર પાઠવીને આ મુદ્દે તપાસ હાથ ધરી પગલાં લેવા ભલામણ કરી છે, જેનાથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ટંકારાના સ્થાનિક ખેડૂત હેમંત મોહન દુબરીયાએ ફરિયાદ કરી હતી કે, કોઠારીયા રોડ પર આવેલી ખેતીની જમીન (સર્વે નં. 329, 330, 338) પર સોલાર કંપની પ્રોજેક્ટ ઊભો કરી રહી છે. પ્રોજેક્ટના થાંભલા માટે કંપનીએ નજીકમાં આવેલ સરકારી ખરાબાની જમીન સર્વે નં. 337 માં બેફામ ગેરકાયદે ખોદકામ કરીને માટી-મોરમ કાઢી પ્લાન્ટની ભરતીમાં ઉપયોગ કરી મસમોટી ખનીજ ચોરી કરી છે.
ખેડૂત હેમંતલાલે અગાઉ તંત્રને ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં, તેમણે ટંકારા ખાતે આવેલા સાંસદ રૂપાલાને આધાર-પુરાવા સાથે રૂબરૂ રજૂઆત કરી હતી. સાંસદે આ ફરિયાદમાં તથ્ય જોતાં જ કલેક્ટરને પત્ર લખીને ખનીજ ચોરો સામે ત્વરિત કાર્યવાહી કરવા ભલામણ કરી હતી.
વળી, સોલાર કંપનીએ માર્ગ-મકાન વિભાગ સાથે કરાર કરીને સિંચાઈ માટે સંપાદન થયેલી જમીનમાં રાતોરાત કેબલ દાટી દીધો હોવાનો પણ આક્ષેપ છે. ખેડૂતે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે ટંકારા-કોઠારીયા-જડેશ્વર રોડ ખાનગી માલિકીની જમીનમાંથી પસાર થતો હોય અને માર્ગ વિભાગે તેનું સંપાદન કર્યું ન હોય, તો માર્ગ-મકાન તંત્ર કેબલ દાટવાનો કરાર કેવી રીતે કરી શકે? આ સમગ્ર મામલે ખેડૂતે કંપની અને તંત્ર વચ્ચે ’મિલાપપણા’ની શંકા વ્યક્ત કરી છે.