હોદ્દાનો દુરુપયોગ કરી અન્ય લોકોના બોગસ ખાતા ખોલી લૉન લઇ આચરી ઠગાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક મેટોડા શાખાના મેનેજરે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી 34 લાખની લોન લઈ બેંક સાથે વિશ્વાસઘાત કરતાં મેનેજર સામે મેટોડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
મૂળ કુતિયાણાના ખાગેશ્રી ગામના વતની અને હાલ જૂનાગઢ રહેતાં જયંતિલાલ જીવણભાઈ ખાંટ ઉ.65એ રાજકોટ પાટીદાર ચોકમાં રહેતા દલસુખગીરી હરી ડઢાણીયા સામે મેટોડા પોલીસમાં 34 લાખની ઠગાઈ અંગે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક રીજોયોનલ ઓફિસ જુનાગઢ ખાતે મેનેજર તરીકે વર્ષ 2019માં ફરજ બજાવતા હતા, તે પહેલા મેટોડા જી.આઈ.ડી.સી. શાખા સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકમાં મેનેજર તરીકે ડી.એચ.ડઢાણીયા ફરજ બજાવતા હતા દલસુખ ડઢાણીયા મેટોડા શાખામાં 2015થી 2018 સુધી શાખા પ્રબંધક તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે તેઓએ બોગસ ખાતા ખોલેલ હોવાની હકિકત ઓડીટમાં ધ્યાનમાં આવતા બેંકના વીજીલન્સ ડીપાર્ટમેન્ટએ તપાસ કરેલ અને આ બાબતે ફરિયાદ દાખલ કરવાની થતા ઉપરી અધિકારી તરફથી તેમને ઓથોરાઈઝ અધિકારી તરીકે નિમણૂક કરી હતી. જે તે વખતે લોધીકા કોર્ટમાં ફોજદારી પરચુરણ અરજી ફરિયાદ દાખલ કરાવેલ હતી. જેમા કોર્ટએ તા.31/01/2026 ના રોજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો વધુમાં જણાવ્યા પ્રમાણે દલસુખ દઢાણીયાએ રાજકોટના વિનોદભાઈ જમનભાઇ બુસાના નામે તેમના કોઇ દસ્તાવેજો કે કે.વાય.સી ડોક્યુમેન્ટ લીધા વિના તેમની જાણ બહાર રૂપિયા 3 લાખની મર્યાદાવાળી કેશ ક્રેડિટ સુવિધા એકાઉન્ટ બેંકમાં ચાલુ કરી 90 હજાર ઉપાડેલા અને 85 હજાર બાલાજી એન્જીનિયર્સના ખાતામાં જમા કરાવેલ ત્યાર બાદ 70 હજાર રોકડા મેળવી આ ખાતામાં 1.30 લાખ રોકડા જમા કરાવ્યા હતા ત્યાર બાદ તેની બદલી મેટોડાથી આણંદપર ખાતે થઈ જતા ત્યાથી 25 હજાર વિનોદભાઈના ખાતામા જમા કરાવેલા તે પછી તેઓએ 20 હજારનો ચેક વટાવેલ, ત્યાર બાદ તપાસ કરતા આ વિનોદભાઈ બુસાના કોઈ ડોક્યુમેન્ટ મળેલ નહી આ બ્રાંચ મેનેજર ડી.એચ.ડઢાણીયાના સમયગાળા દરમ્યાન ઓપન થયેલા તમામ એકાઉન્ટોની તપાસ કરતા જાણવા મળેલ કે, બાલાજી એન્જીનીયર્સ શાપર વેરાવળના પ્રોપ્રાઈટર તેજશ પંડયાને તેમના એકાઉન્ટ નંબર ઉપર તેમની કંપનીમાં આવતા રૂ.32.13 લાખની બે ઇન્ડક્શન હીટર મશીન ઉપર 24 લાખની ટર્મ લોન આપવામા આવેલ હતી જેનું પેમેન્ટ સાંઇનાથ એન્જીનીયરીંગ વર્કસ નામની કંપનીમાં કરવામાં આવેલ હતુ. જેથી લોન માટે આવેલ અરજી બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે, મેનજર ડી.એચ.ડઢાણીયાએ આ પેઢીના સીબીલ રિપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટ ધ્યાને લીધા વિના અને સ્થળ પરીક્ષણ કે પાર્ટીનું બેક ગ્રાઉન્ડ ચેક કર્યા વગર આટલી મોટી લોન મંજુર કરવા માટે ભલામણ કરેલ હતી આમ મેનેજર ડી.એચ.ડઢાણીયા એ પ્રીતીબેનના નામે રૂ.2 લાખની લોન મંજુર કરી પ્રીતીબેનને માત્ર 25 હજાર આપી બાકીના 1.75 લાખ પોતાના અંગત વપરાસ માટે ઉપયોગ કરી લીધેલ છે હોદ્દાનો દુરૂપયોગ કરી બીજાના ડોક્યુમેન્ટસ વાપરી તે આધારે લોન મેળવી બેંક સાથે વિશ્વાસધાત કરી 34 લાખથી વધુની ગેરરીતી તથા ગેરવહિવટ કરી બેંકના નિતિ નિયમોનુ ઉલ્લંઘન કરી નાણાકીય નુકશાન કરતાં ફરીયાદ નોંધાવી હતી.



