ઘણાં મહિનાથી ગણગણાટ હતો, આશંકા સાચી પડી
બિલ્ડર-કોન્ટ્રાક્ટર હરસુખ સોજીત્રાએ સાડા છ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
- Advertisement -
હજુ ડઝનબંધ ફરિયાદો થવાની સંભાવના: છગન બુસાએ પછેડી કરતાં લાંબી સોડ તાણી લીધાની ચર્ચા
અનેક બિલ્ડરોનાં અબજો રૂપિયા ફસાયા હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અંતે રાજકોટનાં ચર્ચાસ્પદ ફાયનાન્સર છગન બુસાનાં કરતૂતો બહાર આવવાની શરૂઆત થઈ છે. બિલ્ડર લોબી સહિત ફાઈનાન્સ ક્ષેત્રમાં કેટલાંક વખતથી અત્યંત ચર્ચાસ્પદ બનેલા અને મોટા ફાઈનાન્સના વ્યવહારો ઠપ્પ કરી નાખનારા ટોચના બે ફાઈનાન્સરોના આર્થિક રીતે નબળા પડયાના પ્રકરણ હવે પોલીસ ચોપડે ચડયુ છે ત્યારે ફાઈનાન્સર છગન મોહન બુસા (પટેલ) સામે 6.50 કરોડની છેતરપિંડીની છે.
ફરિયાદ અરજી 100 થઈ છે અને તેના આધારે પોલીસે ફાઈનાન્સરને સમન્સ પાઠવ્યુ છે. ફાઈનાન્સર ઉપરાંત તેમના પત્ની-પુત્રના નામ પણ ફરિયાદમાં જોડવામાં આવ્યા છે. આવતા દિવસોમાં વધુ ફરિયાદો થવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
રાજકોટ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખામાં ગત અઠવાડિયામાં દાખલ થયેલી આ ફરિયાદોમાંથી એક નિવૃત કોન્ટ્રાકટર (બિલ્ડરે) નોંધાવી છે. જયારે બીજી ફલેટ ઓનર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે કોન્ટ્રાકટર (બિલ્ડર) હરસુખભાઈ રવજીભાઈ સોજીત્રા, તેમના પત્ની લતાબેન અને પુત્ર દીપ દ્વારા ફાઈનાન્સર છગન મોહન પટેલ, તેમના પત્ની નર્મદાબેન તથા પુત્ર વિરુદ્ધ કરાયેલી ફરિયાદ અરજીમાં એમ કહેવાયુ છે કે પોતે ક્ધસ્ટ્રકશનમાં વ્યવસાયમાં હતા અને હાલ નિવૃત છે.
છગનભાઈ પટેલ સાથે સંપર્ક થતા તેઓએ પોતે જમીન-મકાનમાં મોટુ કામ ધરાવે છે. નાણાં રોકો તો પ્રોપર્ટી વ્યવહારમાં થનારા નફામાં 50 ટકા ભાગ આપવાની ખાતરી આપી હતી. જેને પગલે પરિવારના ત્રણેય સભ્યો દ્વારા સંયુક્ત રીતે છગનભાઈ, તેમના પુત્ર પત્ની અને પુત્રના ખાતામાં બેંક ટ્રાન્ઝેકશન મારફત રૂા.4,25,41,375 (4.25 કરોડ) આપ્યા હતા. હવે તેમના દ્વારા આ નાણાં પરત આપવામાં આવતા નથી.
આ સિવાય બીજી ફરિયાદ અરજી અવધ રોડ પર આવેલા નિર્વાણા ફલેટ ઓનર્સ એસોસીએશનના મેનેજર અંકીત સાકરીયાએ કરી છે. જેમાં જણાવાયા મુજબ ફલેટ માલિકો દ્વારા એકત્રીત કરાયેલી મેનટેનન્સની રકમમાંથી 2.25 કરોડ 0.90 ટકાના વ્યાજે છગન પટેલને આપ્યા હતા.
ચાર વર્ષ પુર્વે આ રકમ આપવામાં આવી હતી. પ્રારંભીક થોડા મહિતા નિયમિત રીતે વ્યાજ આપવામાં આવ્યુ હતું પરંતુ પછી વ્યાજ કે મુળ રકમ કાંઈ પાછુ આપવામાં આવતુ નથી.
આ બન્ને ફરિયાદ અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફાઈનાન્સરને સમન્સ પાઠવવામાં આવ્યા છે. જો કે, તેઓ હાજર થયા નથી. હાજર થયા બાદ નિવેદન લેવાશે અને ત્યારબાદ વિધિવત ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફાઈનાન્સર સામે વધુ ફરિયાદો થવાની શકયતા નકારાતી નથી.
ફાઈનાન્સર સામેની ફરિયાદ અરજીને પગલે ફાઈનાન્સ ક્ષેત્રમાં મોટો ખળભળાટ સર્જાવાની શકયતા છે. કારણ કે ફાઈનાન્સર હસ્તકના મોટાભાગના વ્યવહારો રોકડ અને કાળાનાણાંના જ હોય છે. પોલીસ તપાસમાં અન્ય વ્યવહારો ખુલવાના સંજોગોમાં જંગી નાણાં વ્યાજે મુકનારા લોકોને પણ તપાસનો સામનો કરવો પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક મહિનાથી શહેરના બે ટોચના ફાઈનાન્સરો નબળા પડતા કરોડો રૂપિયાનો ફાઈનાન્સનો વ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયો છે. યુનિવર્સિટી રોડ પર ઓફીસ ધરાવતા ફાઈનાન્સર પાસે કરોડો રૂપિયા મુકનારા બાહુબલી તથા રાજકીય આગેવાનોએ શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને નાણાં કઠાવી લીધા હતા.
પ્રોપર્ટી લઈ લીધી હતી છતાં તેની પાસે હજુ સંખ્યાબંધ લોકોના નાણાં બાકી છે અને ધકકા ખાઈ રહ્યા છે. અંદાજીત 500 કરોડ ચુકવવાના બાકી હોવાની ચર્ચા છે.
ફાઈનાન્સર ભુગર્ભમાં ઉતરી ગયાનું અને ભાગ્યેજ કોઈને મળતા હોવાનુ કહેવાય છે. નબળા પડેલા બીજા ફાઈનાન્સર પણ નાણાં આપવામાં મુદત જ આપી રહ્યા છે. તેમની પાસે નાણાં રોકનારા પણ માથાકુટ કરતા જ રહ્યા છે.
એક રાજકીય આગેવાને કડક ભાષામાં ધમકાવીને પઠાણી ઉઘરાણી કરી હતી. તેમના ભાગીદારે પણ થોડા દિવસો પુર્વે ઝેરી દવા પીધાની ચર્ચા હતી. બન્ને ફાઈનાન્સરોના પ્રકરણ આવતા દિવસોમાં કેવા વળાંક લ્યે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.