270 જેટલા એજન્ટ, ગ્રાહકોને દોઢ કરોડનો ધુંબો મારી ભૂગર્ભમાં ઉતરી ગયો
દસ દિવસથી મંડળી બંધ કરી દેતા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધતો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
શહેરના મોરબી રોડ ઉપર આર્યન એવન્યુમાં રોકાણ કરવાનું કહી સારું વળતર મળશે તેવી લાલચ આપી બિલ્ડર સાથે 3.26 કરોડની ઠગાઇ થયાના ગુનામાં દંપતિની પોલીસે ધરપકડ કરી છે ત્યાં ફરી સામા કાંઠાની ઓમ સમર્પણ શરાફી મંડળીનો સંચાલક 270 જેટલા એજન્ટ, ગ્રાહકોના દોઢ કરોડનું ફુલેકું ફેરવી નાસી જતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
શહેરના કુવાડવા રોડ પરના મારૂતિનગરમાં રહેતા અને ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીમાં ડેઇલી કલેક્શન એજન્ટ તરીકે કામ કરતાં પરેશભાઇ મોહનભાઇ પરસાણા (ઉ.વ.41)એ બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બ્રહ્માણીપાર્કમાં રહેતા ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના સંચાલક શૈલેષ બાબુ ઠુમ્મરનું નામ આપ્યું હતું.
પરેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શૈલેષ ઠુમ્મરે ઉપરોક્ત મંડળી શરૂ કરી હતી અને રોકાણકારોને વાર્ષિક 5 થી 10 ટકા વળતરની ખાતરી સાથે રોકાણ કરવાની લાલચ આપી હતી,
પરેશભાઇએ 94 લોકો પાસેથી દરરોજ નાણા ઉઘરાવી લાખો રૂપિયા મંડળીમાં જમા કરાવ્યા હતા તેમના પત્ની કાજલબેન પરસાણાએ એજન્ટ તરીકે 79 લોકો પાસેથી નાણા ઉઘરાવી જમા કરાવ્યા હતા અને અન્ય બે એજન્ટ જેમણે 89 લોકો પાસેથી નાણા ઉઘરાવ્યા હતા, એટલું જ નહી પરેશભાઇ અને તેમના પરિવારજનોએ રૂ.8 લાખથી વધુનું રોકાણ કર્યું હતું, જેના પાકતી તારીખે 22 લાખથી વધુ રકમ થતી હતી પરંતુ મંડળીના સંચાલક પરેશ ઠુમ્મરે તે રકમ આપવાનું ટાળ્યું હતું, અન્ય રોકાણકારોએ પણ પાકતી તારીખે રકમ મેળવવા મંડળીએ આવવાનું શરૂ કરતાં શૈલેષ ઠુમ્મર દસેક દિવસ પહેલા મંડળીની ઓફિસને તાળા મારી નાસી ગયો હતો, અનેક સ્થળે શોધવા છતાં તેનો પતો લાગ્યો નહોતો બી ડિવિઝન પીઆઇ એસ એમ જાડેજાએ પરેશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી શૈલેષ ઠુમ્મરની શોધખોળ શરૂ કરી છે.