વાયરલ વિડીયો આધારે તાલુકા પોલીસમાં નોંધાયો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ સોશિયલ મીડીયા પર સતત વોચમાં હતી ત્યારે સાયબર ક્રાઈમ પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં કોન્સ્ટેબલ જયવિરસિંહ ઝાલાને એક વીડીયો જોવા મળ્યો હતો. જેમાં એક યુવાને ઈવીએમનું બટન દબાવતી વખતે તેનો વીડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. એટલું જ નહીં તે વીડીયોને પોતાના મિત્રોના ગૃપમાં શેર પણ કર્યો હતો.
સાયબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ વીડીયો મવડીની આંગણવાડીમાં આવેલા બુથ નં.75 નો છે. જયારે વીડીયો બનાવનાર મવડીની રાજદિપ સોસાયટીમાં રહેતો દિશાંત મહેશભાઈ પડારીયા ઉ.24 હોવાનું જાણવા મળતા તેના વિરૂૂધ્ધ કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ કર્યો હતો. નિયમ મુજબ તેને નોટીસ આપી હતી. ઉલ્લેખનીય છે કે, કલેક્ટરના જાહેરનામા અનુસંધાને મતદાન મથકોમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી છતાં અનેક સ્થળોએ મોબાઈલ લઈ જતાં મતદારોને અટકાવવામાં આવ્યા ન હતા.