પ્રોફેસર સામે કેસ દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
તમિલનાડુની રુક્મણી દેવી કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના એક પ્રોફેસર સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. કલાક્ષેત્ર ફાઉન્ડેશનની પૂર્વ વિદ્યાર્થીનીએ ચેન્નઈ સિટી પોલીસ સમક્ષ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ
ધરી છે.
પૂર્વ વિદ્યાર્થીનીએ પોલીસ કમિશનર શંકર જીવાલ સાથે મુલાકાત કરીને ફરિયાદ કરી હતી કે આસિસ્ટન્ટ પ્રોફેસર હરિ પદમને તેને અશ્લીલ મેસેજ કર્યા હતા. આ ફરિયાદ આદ્યાર મહિલા પોલીસ સ્ટેશને મોકલાઇ હતી જ્યાં પ્રોફેસર સામે કેસ દાખલ કરાયો હતો. પદમન સામે આઈપીસીની કલમ 354એ (જાતીય સતામણી) અને 506 (ગુનાઈત ધમકી)નો કેસ દાખલ કરાયો હતો. અગાઉ ગઈકાલે જ કલાક્ષેત્ર ફાઉન્ડેશનની લગભગ 100 વિદ્યાર્થિનીઓએ ઓછામાં ઓછા ચાર પુરુષ ફેકલ્ટી સભ્યો સામે દુવ્ર્યવહાર અને જાતીય સતામણીની ફરિયાદ કરતા તમિલનાડુ મહિલા આયોગમાં અરજી દાખલ કરી હતી. જાતીય સતામણીના વિરોધ અંગે ગુરુવારે વિદ્યાર્થિનીઓએ દેખાવો શરૂ કરી દીધા હતા જે શુક્રવારે પણ ચાલુ રહ્યા હતા. ધરણાને કારણે કોલેજ બંધ રખાઈ હતી. રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ એ.એસ.કુમારી પણ કેમ્પસની મુલાકાતે આવી પહોંચ્યા હતા.