નેધરલેન્ડમાં પતિ દારૂ પી મારકૂટ કરતો, ગળાચીપ દઈ સોફા ઉપર ઘા કરતો: તારા માવતરીયાને ભારતમાં મરાવી નાખીશ’ કહી ધમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના નાનામવા રોડ પરની લક્ષ્મી સોસાયટીમાં રહેતી અંજના મગ્રાએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ જયેશ મગ્રા અને કોટડાસાંગાણીમાં રહેતા સસરા નારણ ગોવિંદ મગ્રા, સાસુ કાંતાબેન, જેઠ મહેશભાઈ અને જેઠાણી અંજનાબેન મહેશભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું અંજના જયેશ મગ્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2013માં થયા હતા, પતિ જયેશ નેધરલેન્ડમાં કંપની ચલાવે છે,
- Advertisement -
લગ્નના થોડો સમય સારી રીતે રાખ્યા બાદ સાસરિયાંઓ કરિયાવરની માગ કરવા લાગ્યા હતા અને પતિ પણ તેના માતા-પિતાની વાતોમાં આવી પત્ની અંજનાને ત્રાસ આપવા લાગ્યો હતો.
વર્ષ 2014માં અંજનાના વિઝા થતાં તે નેધરલેન્ડ પતિ સાથે રહેવા જતી રહી હતી, ત્યાં પહોંચ્યા બાદ પતિ જયેશના ઝનૂની સ્વભાવની જાણ થઇ હતી, જયેશ નજીવી બાબતે માથાકૂટ કરતો, મારકૂટ કરતો હતો. લગ્નના છ વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ નહી થતાં સાસરિયાઓ મેણા મારતા હતા, અંજનાએ પુત્રીને જન્મ આપ્યો ત્યારે સાસુ સસરાએ વીડિયોકોલ કરીને કહ્યું હતું કે, દીકરી જણી કે પથ્થર જણ્યો છે.
પુત્રીના જન્મ બાદ વતન આવ્યા ત્યારે પણ પતિ સહિતના સાસરિયાઓએ હેરાન કરી હતી અંજના ગત તા.16 માર્ચ 2023ના નેધલેન્ડ હતી ત્યારે સાસરિયાની ચઢામણીથી પતિ જયેશે ગળું દબાવી મારકુટ કરી હતી અને પોતે જ જાણ કરતા નેધરલેન્ડ પોલીસ પહોંચી હતી ત્યારે પોલીસે જયેશને મૌખિક ઠપકો આપ્યો હતો, પોલીસના રવાના થયા બાદ જયેશે ધમકી આપી હતી કે, ‘છુટાછેડા આપી દેજે નહીંતર હું તને જાનથી મારી નાખીશ, તારૂ માંસ મીટ ખાઇ જઇશ અને તારા હાડકાનો પાઉડર કરી સંડાશના ફ્લશ કરી નાખીશ’, અંજનાના પિતા સહિતના પીયરિયાઓને પતાવી દેવાની પણ ધમકી આપતો હોય અંજનાએ નેધરલેન્ડમાં પતિ સામે કરેલા કેસની ફાઇલ બંધ કરાવી દીધી હતી.પતિના ત્રાસથી કંટાળી અંતે અંજનાએ ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પતિ જયેશે નેધરલેન્ડમાં અંજનાના નામની રહેલી કંપની અને મકાન બળજબરીથી પોતાના નામે કરાવી નાખ્યા હતા, પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.