ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકા પંચાયતની બેઠકમાં આપના નેતા પર ભાજપના આગેવાનોએ હુમલો કરતા રાજકારણ ગરમાયુ હતુ. ગઇકાલે માળીયા હાટીના તાલુકા પંચાયતની બજેટની એક બેઠક મળી હતી. જેમાં આપના નેતા પિયુષ પરમાર તાલુકા પંચાયત સદસ્ય હોય અને એ બજેટની બેઠકમાં ઉપસ્થિત હોય ત્યારે પંચાયત સદસ્ય પિયુષ પરમારે શાસકપક્ષ પાસેથી તેના પ્રશ્ર્નોના જવાબ માગ્યા હતા અને શાસક પક્ષે જવાબ નહીં આપતા અને બજેઠ બેઠક પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત મહિલા પ્રમુખના પતિ દિલીપભાઇ સિસોદીયા તેમજ તેમના ભાઇ પથુભાઇ સિસોદીયા સહિતના અન્ય ચાર અજાણ્યા શખ્સો દ્વારા પિયુષ પરમાર પર હુમલો કરતા બજેટ બેઠકમાં હાજર રહેલ તાલુકા પંચાયત સદસ્ય અને સરકારી કર્મચારીઓએ વચ્ચે પડી છોડાવ્યા હતા. આપના નેતા પિયુષ પરમાર પર કથિત હુમલામાં ઇજાગ્રસ્તને માળીયા હાટીના સારવાર આપ્યા બાદ વધુ સારાવર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવેલ હતા. જયારે આ બાબતની જાણ થતાં આપના આગેવાનો અને કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ દિલીપભાઇ સીસોદીયાએ જણાવ્યુ હતુ કે, બજેટ બેઠકની ર4 કલાક અગાઉ પ્રશ્ર્નોતરી રજુ કરી દેવાની હોય છે. પણ પિયુષ પરમારે કાલે સાંજે 6 વાગ્યે રજૂ કર્યાના કારણે જવાબ આપવા અશ્કય હતા અને આ બજેટ બેઠકમાં તાત્કાલીક જવાબ તૈયાર થઇ શકે તેમ ન હતા. જયારે આ હુમલાની વાત સદંતર ખોટી છે અને અમે હુમલો કર્યો નથી તેમ પિયુષ પરમારે અમારી પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. માળીયા તાલુકા પંચાયત બજેટની બેઠકમાં આપના આગેવાન પિયુષ પરમારના હુમલા સંદર્ભે માળીયા પોલીસમાં પથુભાઇ સિસોદીયા અને દિલીપભાઇ સિસોદીયા સહિત ચાર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદીએ માર માર્યાનો ઉલ્લેખ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.