ધરણા – દેખાવો – આંદોલનો સહિતના સમયે થતી સંપત્તિના નુકસાન અંગે કડક કાયદો તૈયાર
રાજય સરકાર દ્વારા ‘ગુજરાત રીકવરી ઓફ ડેમેજ ઓફ પબ્લીક એન્ડ પ્રાઈવેટ પ્રોપર્ટી એકટ’ તૈયાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હવે તોફાન કે રમખાણો સમયે રાજકીય દેખાવો અને અસામાજીક તત્વો દ્વારા અનેક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પડકાર ઉભો કરીને જે અશાંતિ સર્જવામાં આવે છે તથા જાહેર અને ખાનગી સંપતિને નુકશાન પહોંચાડવામાં આવે છે તેની સામે વધુ આકરો કાયદો આવી રહ્યો છે અને આ પ્રકારની સ્થિતિમાં તોફાનીઓ, અશાંતિ ઉભી કરનારા પાસેથી જાહેર અથવા ખાનગી સંપતિની નુકસાનીનું વળતર વસુલી શકાશે. અગાઉ મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશની સરકારે આ પ્રકારના કાનૂન લાગું કર્યો છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ ઉતરપ્રદેશ તથા મધ્યપ્રદેશના કાનૂનનો અભ્યાસ કરાયા બાદ ગુજરાતનો આ પ્રસ્તાવિત કાનૂનનો ડ્રાફટ તૈયાર કરાયા છે અને તેને કાનૂન તથા ગૃહ વિભાગની મંજુરી મળી છે. હાલ તે કેબીનેટ સમક્ષ વિચારણા માટે મુકાયો છે.
સરકારના પ્રસ્તાવિત કાનૂન મુજબ તોફાન કે દેખાવો, રમખાણો સમયે કે અસામાજીક કૃત્યની જાહેર કે ખાનગી સંપતિને જો નુકસાન પહોંચાડાશે તો તે માટે જવાબદાર સામે સંપતિની કિંમતના બે કે ત્રણ ગણી રકમ વસુલી શકાશે અને વળતર ભરપાઈ કરવામાં નિષ્ફળ જાય તો મિલ્કત જપ્તી સુધીના પગલા લઈ શકાશે અને તેની મિલ્કતો પણ જપ્ત કરી શકાશે.
પ્રસ્તાવિક કાનૂનમાં જેલ સજાની જોગવાઈ કરવામાં આવે છે. રાજય સરકાર આ પ્રકારના કેસમાં ઝડપી નિકાલ માટે ખાસ કોર્ટ સ્થાપવાની પણ વિચારણા કરી રહી છે અને તેમાં ટ્રીબ્યુનલ પણ હવે થશે તે આ પ્રકારની નુકશાની વળતર વસુલાતના કેસ સંભાળશે અને લાંબી કાનૂની પ્રક્રિયા ટાળવા માટેના પણ નિયમો બનાવાયા છે. રાજય સરકાર આ અંગે જો વટહુકમ બહાર પાડે તો ચોમાસું સત્રમાં તેના સંબંધીત કાનૂની ખરડો રજૂ થશે.