ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
મુંબઈ ઉપનગરીય રેલવેમાં રોજેરોજ પાંચથી સાત મૃત્યુ થતા હોવાની ચોંકાવનારી બાબતે રેલવેને ધ્યાન આપવાની હાકલ કરી બોમ્બે હાઈ કોર્ટ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય અભ્યાસ હાથ ધરવા નિષ્ણાતોની કમિટી તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસને રેલવે વતી સહાયતા કરવા વિનંતી કરી હતી.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ રેલવેનો વપરાશ કરતા હોવાનું કારણ આપવાના બદલે અસરકારક ઉપાય શોધવા અને ઉચ્ચ સ્તરના અધિકારીઓ પર જવાબદારી નક્કી કરવાનું મુખ્ય ન્યાયમૂર્તિ દેવેન્દ્ર ઉપાધ્યાયની બેન્ચે રેલવેને જણાવ્યું હતું અને કહ્યું કે, ’આ વખતે અમે ઉચ્ચાધિકારીઓને જવાબદાર ઠેરવીશું. મુંબઈની સ્થિતિ દયનીય છે. રોજના 35 લાખ લોકો પ્રવાસી કરતા હોવાના આંકડાથી રાજી થઈને તમે સારું કામ કરતા હોવાનું કહી શકો નહીં.’
- Advertisement -
મુંબઈની લોકલ ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. ઘણી વખત ખીચોખીચ ભરેલી ટ્રેનોમાં મુસાફરો અકસ્માતનો ભોગ બને છે. હવે મુસાફરોના મૃત્યુની વધતી સંખ્યાને જોઈને બોમ્બે હાઈકોર્ટે મધ્ય અને પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરોને ફટકાર લગાવી છે. કોર્ટે તેમની પાસેથી વ્યક્તિગત રીતે વેરિફાઈડ એફિડેવિટ મંગાવી હતી. આ સિવાય કોર્ટે આ ગંભીર મુદ્દાના ઉકેલ માટે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસની પણ મદદ માંગી હતી.મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન કહ્યું કે, ’આ શબ્દનો ઉપયોગ કરવા બદલ હું દિલગીર છું. હું શરમ અનુભવું છું કે કેવી રીતે મુસાફરોને સ્થાનિક સ્તરે આવી મુસાફરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે, જેના કારણે તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રતિ હજાર મુસાફરો મૃત્યુદર લંડન કરતા ઓછો હશે.
2023માં ઉપનગરીય રેલવેમાં 2590 પ્રવાસીઓ જીવ ગુમાવી બેઠા છે જેનો અર્થ રોજના સાત મોત થાય છે. રેલવે પાટા ઓળંગવા, ચાલુ ટ્રેનમાંથી પટકાવવું, ટ્રેન પ્લેટફોર્મ વચ્ચેનો ગેપ અથવા થાંભલાનો સમાવેશ જેની પાછળ મુખ્ય કારણો છે. આ ત્રણ બાબતથી 1895 લોકોનું મૃત્યુ દર વર્ષે થાય છે. માળખાકીય સુવિધા અને સલામતીના ઉપાયો અપૂરતા છે.
અખબારી અહેવાલો, રેલવે મંત્રાલય અને નીતિઆયોગના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. રેલવે દ્વારા અપાતા મૃત્યુઆંક અને હોસ્પિટલમાં રેલવે મૃત્યુ તરીકે લેવાતા આંકડામાં વિસંગતી હોવાનું જણાવાયું હતું. મુંબઈ ઉપનગરીય રેલવેમાં મૃત્યુની ટકાવારી દર લાખ પ્રવાસીએ 33.8 ટકા છે, જે ન્યુયોર્કના 3.66, પેરિસના 1.46, લંડનના 1.43 ટકા છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો એ યુદ્ધમાં જોતરાવા જેવું છે ભારતીય સૈનિકોના વાર્ષિક મૃત્યુદર કરતાં પણ આ સંખ્યા વધુ છે. રેલવેએ અપનાવેલા સલામતીના પગલાં રેલવેથી થતા મોતની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ ગયાનું કોર્ટે નોંધ્યું હતું. રેલવે અધિકારીઓના અભિગમ અને મનોવૃત્તિ બદલવાની જરૂૂર પર ભાર મૂક્યો હતો.
પ્રિન્સિપલ ચીફ સિક્યોરિટી કમિશનર અને રેલવે બોર્ડના સંબંધીત સભ્ય સહિતના ઉચ્ચ સ્તરે જવાબદારી નક્કી કરવાની કોર્ટે હિમાયત કરી હતી. કોર્ટે રેલવેને છ સપ્તાહમાં સોગંદનામું નોંધાવવા અને અરજદારને બે સપ્તાહમાં રિજોઈન્ટર આપવા નિર્દોશ આપ્યો છે.