વર્કિંગ વુમન હોસ્ટેલનું કામ સમયસર પૂર્ણ કરવા આદેશ; નાયબ મ્યુનિસિપલ કમિશનર સહિતનો કાફલો સમીક્ષામાં જોડાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ચાલુ પ્રોજેક્ટ્સની ગુણવત્તા ચકાસવાનો અને નાગરિકોને મળતી સુવિધાઓની સમીક્ષા કરવાનો હતો. કમિશનરે સૌપ્રથમ પુષ્કરધામ મેઈન રોડ પરના હોકર્સ ઝોનની મુલાકાત લઈ ત્યાંની સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે મવડી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ માટેની આધુનિક સુવિધાઓ અને ઈમારતની ગુણવત્તાની તપાસ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના યુવાનોને રમતગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ મળે તે રીતે સ્ટેડિયમની જાળવણી થવી જોઈએ.
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નિર્માણાધીન વુમન વર્કિંગ હોસ્ટેલની મુલાકાત દરમિયાન કમિશનરએ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. કામકાજ કરતી મહિલાઓને સુરક્ષિત અને આધુનિક રહેણાંક મળે તે માટે તેમણે કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવા સંબંધિત એજન્સી અને અધિકારીઓને કડક સૂચના આપી હતી.



