કપાસ એ સૌરાષ્ટ્રના રોકડીયા પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સૌરાષ્ટ્રમાં ઉગતા કપાસના પાકોમાં લાંબા તાર અને ટુંકા તારનો કપાસ જોવા મળે છે. દરેક પાકોમાં સમયાંતરે રોગ ફેલાતો હોય છે તેમ કપાસમાં ગુલાબી ઈયળનો રોગ જોવા મળે છે. ગુલાબી ઈયળના ત્રાસથી બચવા ખેડૂતો કપાસનો પાક નથી લેતા અથવા તો અનેક અવનવા રસ્તા અપનાવતા હોય છે.
- Advertisement -
ગુજરાત સરકારની ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC) દ્વારા સૌરાષ્ટ્રના વિસ્તારમાં પ્રથમવાર રાજકોટ જિલ્લાના વિછીંયા તાલુકાના ભડલી ગામે ગુલાબી ઈયળને રોકવા માટે ટ્યુબ આધારીત એક નિદર્શન યોજવામાં આવ્યું હતું. જીજીઆરસી ગુજરાત સરકારની એવી એજન્સી છે, જે ગુજરાતભરના ખેડૂતોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટે ૭૦ ટકા જેટલી સબસિડી આપે છે. ગુજરાતનો કોઇ પણ ખેડૂત તેની જમીન પર ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ અપનાવીને જીજીઆરસીની સબસીડીનો લાભ મેળવી શકે છે.
ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના જુનિયર ઓફિસર આર.એમ.ડાંગરના જણાવ્યા મુજબ, સસ્ટેનેબલ કોટન ઈનિશ્યેટીવ પ્રોજેક્ટ અંતર્ગત વર્લ્ડ વાઈડ ફંડની ભારતીય શાખા દ્વારા આ માટે ફંડ ચૂકવવામાં આવે છે ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં ૪૫૦૦ જેટલા ખેડૂતો હાલમાં આ પ્રોજેકટનો લાભ લઇ રહ્યા છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કપાસની ખેતી કાયમી ટકી રહે, કુદરતી સ્ત્રોતોનો ન્યુનતમ ઉપયોગ કરીને, પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વગર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને કપાસના વિકાસને પેઢી દર પેઢી જાળવી રાખવાનો છે.
- Advertisement -
ડાંગરના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ ખાતે આ પ્રોજેક્ટ કાર્યરત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કપાસની ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સમયાંતરે ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન હાથ ધરવામાં આવે છે. જેમાં મોબાઈલ ટેકનોલોજીના આધારે જી.જી.આર.સી દ્વારા કોટન ડોક્ટર એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જેનો ઉપયોગ ગુજરાતનો કોઇપણ ખેડૂત પોતાના મોબાઈલમાંથી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે ખેડૂત પોતાના ખેતરમાં સેટેલાઈટ આધારિત અદ્યતન માહિતી મેસેજ દ્વારા મેળવી શકે છે. કોઈ પણ પાકની રોગ-જીવાતની મુશ્કેલી કે તેના નિરાકરણ માટે આ એપ્લિકેશન મારફતે ફોટા મોકલીને વૈજ્ઞાનિકો પાસેથી સલાહ અને સહકાર મેળવી શકે છે. તેમજ પાકની સંપૂર્ણ માહિતી, આજુબાજુના બધા જ ખેત ઉત્પાદન બજાર સમિતિની જણસના ભાવ, સોઈલ ટેસ્ટીંગની માહિતી હવામાન-તાપમાન-વરસાદનો વરતારો, ખેતરની જમીનમાં ભેજની માહિતી વગેરે ખેડૂત ઘેર બેઠા પોતાના મોબાઈલ પર મેળવી શકે છે.
વર્તમાન સમયમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળના વધતા ઉપદ્રવના કારણે કપાસનું વાવેતર ઘટતું જાય છે. ખેડૂતો પોતાના સફેદ સોના સમાન કપાસના પાકને મજબૂરીના કારણે વાવી શકતા નથી. ખેડૂતોની મુશ્કેલી અને મજ્બુરી દૂર થાય એવા પ્રયાસો માટે જી.જી.આર.સી. હર હંમેશ કરતી રહી છે. ખેડૂતોના ગુલાબી ઈયળના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સસ્ટેનેબલ કોટન ઈનિશ્યેટીવ પ્રોજેક્ટ અંતર્ગત ફિરોમોન ટ્યુબનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ માટે ૩૦-૪૦ એકરના ખેતરની પસંદગી કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફિરોમોન ટ્યુબ દ્વારા ગુલાબી ઈયળનો ઉપદ્વવ અટકાવી શકાય છે. જેથી દવાના છંટકાવમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થાય છે, પર્યાવરણની સુરક્ષા થાય છે. દવાના છંટકાવ મારફત ઉત્પાદનમાં સહાયક કીટકોનો નાશ થતો અટકાવી શકાય છે, તેમ ડાંગરે જણાવ્યું હતું.