ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેર તથા ગ્રામ્ય પંથકમાં પ્રિ મોન્સૂન કામગીરીના નામે ગરમી અને બફારામાં લોકો સેકાયા બાદ હવે પીજીવીસીએલ કચેરી સફાળી જાગી છે અને વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂન કામગીરીનો આરંભ કર્યો છે જોકે આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે પરંતુ આયોજન અને કામ કરવાની દાનત ન હોય તેમ હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા પીજીવીસીએલ સફાળુ જાગ્યું છે અને મેઘરાજાની પધરામણી બાદ પ્રિમોન્સૂન કામગીરી આરંભી છે. વાડી વિસ્તાર તેમજ રહેણાંક વિસ્તારોમાં લાલ આંખ કરીને હંમેશા દંડનીય કાર્યવાહી કરતું પીજીવીસીએલ તંત્ર શહેરી વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં વામણું પુરવાર થયું છે જેનો જીવતો જાગતો દાખલો જોઈએ તો હળવદમાં થોડા છાંટા પડે અને વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે ત્યારે હવે પીજીવીસીએલ સફાળું જાગ્યું છે અને હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂન કામગીરીના નામે આજે બપોર સુધી વીજકાપ મુકવામાં આવ્યો હતો જેમાં જુની મામલતદાર કચેરી, રાજોધરજી સ્કૂલ, ગોકુલનગર, બસ સ્ટેશન પાછળ, સરકારી હોસ્પિટલ, રેલવે સ્ટેશન રોડ, એસબીઆઈ બેંક, સતનામ કોમ્પ્લેક્ષ, ધ્રાંગધ્રા દરવાજો, સલાટફળી, ભટ્ટફળી, રાવલફળી, ચોતરાફળી, જાનીફળી, સુમરાવાસ, વાણિયાવાસ, ગોરીદરવાજો, દરબારનાકા, મેઈન બજાર, પ્રમુખ સ્વામીનગર, આનંદપાર્ક, નાલંદા સ્કૂલ, ગીરનારી નગર, ભોજનશાળા, પારેખ ફળી અને દવે ફળીમાં વીજકાપ મુકવામાં આવ્યો હતો.