પરિક્રમા રૂટનાં તમામ શિવાલયોમાં દૂધનો અભિષેક થશે
36 કિમી સુધી 100 લિટર દૂધની ધારા કરવામાં આવે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનારની દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો છે. 36 કિમીની પરિક્રમામાં 100 લીટર જેટલા દૂધનો ઉપયોગ થશે. તેમજ પરિક્રમામાં રૂટ ઉપર આવતા તમામ શિવાલયોમાં દૂધનો અભિષેક કરવામાં આવશે. ભવનાથ મંદિરે પુજા, અર્ચના કરી દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો.વન વિભાગની મંજુરી મુજબ લોકો દૂધધારા પરિક્રમામાં જોડાયા હતાં.
આજથી 70 વર્ષ પહેલા એટલે કે 1972માં જૂનાગઢમાં દુકાળ પડ્યો હતો, તે સમયે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગવતસિંહ રાઠોડ અને સંત કરમણ ભગત સાથે અન્ય લોકોએ ગીરનારના જંગલમાં પરિક્રમા કરી હતી. જેમાં તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવી હતી. બાદમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ત્યારથી જ આ શ્રદ્ધા ચાલી આવે છે અને દર વર્ષે ગિરનારની દૂધધારા પરિક્રમા કરવામાં આવશે છે. આજે વહેલી સવારે દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અંબાજી મંદિરના મહંત ગીરીમહારાજ, કોર્પોરેટર એભાભાઈ કટારા, રમેશભાઈ બાવળીયા વિશ્ર્વ હિન્દુ પરિષદનાં હિરેનભાઈ રૂપારેલીયા સહિતનાં લોકો જોડાયા હતાં. ગિરનારની 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમા કરવા લોકોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. આશરે 100 લીટર જેટલું દૂધ લઈને દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો.ભવનાથ સ્થિત ઇટવા ગેઇટથી શરૂ થયેલ આ પરિક્રમા જીણાબાવાની મઢી, માળવેલા, સરકડીયા હનુમાન, નળ પાણીની ઘોડી અને બાદમાં બોરદેવી મંદિરએ પરિક્રમા પૂર્ણ થાય છે.આ રૂટ ઉપર આવતા તમામ શિવાલયો પર દૂધની ધારા વરસાવવામાં આવે છે. ગિરનાર જંગલની 36 કિલોમીટરના રૂટની પરિક્રમા માટે વન વિભાગની મંજૂરી જરૂરી હોય છે, શ્રદ્ધાનો કોઈ ઠેસ ન પહોંચે તે માટે વનવિભાગે પણ આ ગિરનારની દૂધધારા પરિક્રમા કરવા મંજૂરી આપવામાં આવી છે અને જંગલ વિસ્તારમાં તમામ સ્થળ પર વનવિભાગનો સ્ટાફ તૈનાત કરી દેવાયો છે તેમ ઇન્ચાર્જ એસીએફ અરવિંદ ભાલીયા જણાવ્યું હતું.