કલેક્ટરના અધ્યક્ષસ્થાને ‘રાજકોટ જિલ્લા માર્ગ સલામતી સમિતિ’ની બેઠક યોજાઈ
રોડ પરથી દબાણ હટાવવા અને જરૂર પડ્યે પોલીસ સાથે રાખી કામગીરી કરવી જરૂરી: કલેક્ટર ડો.ઓમ પ્રકાશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા માર્ગ સલામતીની બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે તોડવામાં આવતા મીડીયમ ગેપ, રોડ સાઈડ દબાણો તેમજ રોડ પરના ખાડાઓ જવાબદાર હોય તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને હાઇવે પર રેસ્ટોરાં, હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદે મીડીયમ ગેપને તોડી માલિકો રસ્તો બનાવતા હોઈ માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે આવા મીડીયમ ગેપ બંધ કરવા અને વારંવાર આવી પ્રવૃત્તિ કરતા લોકોની સામે સખ્ત દંડનીય કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગને સૂચના આપી હતી. હાઇવે પર રોડ સાઈડ અનેક ગેરકાયદે ખાણીપીણીની દુકાનો હોઈ ત્યાં ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવનાને ધ્યાને લઈ દબાણ હટાવવા અને જરૂર પડ્યે પોલીસ સાથે રાખી કામગીરી કરવા ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. સાથો સાથ ભારે વરસાદના કારણે હાઇવે અને તેને સંલગ્ન સર્વિસ રોડ પર પડેલા ગાબડાઓને કારણે વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે રોડ રીપેરીંગ, પેચવર્ક કામગીરી સતત ચાલુ રાખવા પણ તાકીદ કરી હતી.
બેઠકમાં નેશનલ હાઇવે, આર.એન્ડ. બી. પંચાયત તેમજ સ્ટેટ, રૂડા સહીત વિવિધ એજન્સી દ્વારા રાજકોટ બામણબોર નેશનલ હાઇવે- 27 પર હાલ પેચવર્ક, રાજકોટ ભાવનગર હાઇવે પર ડામર પટ્ટા, રાજકોટ જેતપુર હાઇવે પર હયાત રોડ પર પેચવર્ક તેમજ સિક્સ લેનની કામગીરી અંગે માહિતી અપાઇ હતી.
આર.ટી.ઓ. દ્વારા હાઇવે પર વાહન અકસ્માત સ્થળની વિઝીટ અને કારણ અંગે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તેમજ માર્ગ સલામતી જનજાગૃતિ અંગે કરવામાં આવેલા કાર્યક્રમોની વિગત આર.ટી.ઓ. કેતન ખપેડે આપી હતી.



