લીલાપર ગામથી દલવાડી સર્કલ સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેર નજીક આવેલ લીલાપર ગામથી દલવાડી સર્કલ સુધી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવર જવર રહેતી હોય છે જેના પગલે માથાના દુખાવા સમાન બની રહેલી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જીલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને સવારે 8 થી રાત્રીના 12 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે. અવારનવાર એસપી રોડ, રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ તેમજ દલવાડી સર્કલ પર ટ્રાફિક સર્જાય છે અને તેમાં પણ ઉમિયા સર્કલ અને રવાપર ચોકડી પાસે તો ચારેય તરફથી આવતા વાહનોને પગલે ટ્રાફિક પોલીસ એક તરફથી રસ્તો ક્લિયર કરે તો બીજી તરફ ટ્રાફિકજામ થઇ જતું હોય છે. આવા સમયે ઉમિયા સર્કલ પાસે વધુને વધુ વૈકલ્પિક માર્ગની જરૂરિયાત છે. ખરેખર આ રોડ શહેરની વચ્ચેથી પસાર થતો હોવાથી મોટા વાહન કરતા ફોર વ્હીલ, પેસેન્જર વ્હીકલ અને ટુ વ્હીલરની સૌથી વધુ અવર જવર છે અને તેમાં પણ રવાપર ચોકડીથી લીલાપર ગામ સુધી અનેક પાર્ટી પ્લોટ પણ આવેલા છે અને ત્યાં દર વર્ષે અલગ અલગ આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવના મોટા આયોજનો થતાં હોય છે. લીલાપર કેનાલ રોડ સાંકડો રોડ હોય અને બંને તરફથી વાહનોની અવર જવર હોવાથી ટ્રાફિકજામની સમસ્યા વધુ સર્જાય છે જેના કારણે અહીં ભારે વાહનોની પ્રવેશબંધીની સાથે સાથે આ રસ્તો વનવે કરવામાં આવે તે જરૂરી છે જો આ રોડ વન વે નહીં થાય તો તાજેતરમાં ગણેશ મહોત્સવ વખતે જે રીતે વાહનોના થપ્પા લાગ્યા હતા તેવા જ વાહનોના થપ્પા નવરાત્રી પર્વ અને દિવાળીના તહેવાર દરમિયાન લાગી શકે છે.