શહેરમાં અશાંતધારાને લઇ અનેક રજૂઆતો, સમિતિની બેઠકો મળી
સોસાયટીઓમાં મકાન વેંચવા સહમતી જરૂરીના બેનરો લાગ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેરના જોશીપુરા, ખામધ્રોળ, ઉપરકોટ સહિતના 30 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉગ્ર બની છે. આ માંગ સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્રો આપવાનો સિલસિલો પણ શરૂ થયો છે. ઉપરાંત અશાંતધારાને લઇ હિત રક્ષક સમિતિઓ દ્વારા બેઠકો, સંમેલનો, રેલીઓનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ બાબતને લઈ તંત્રએ એકવાર તો સરકારને દરખાસ્ત પણ કરી હતી પરંતુ તેમાં અનેક બાબતનો ઉમેરો કરી ફરી દરખાસ્ત કરવા બાબતની કામગીરી શરૂ છે. અશાંતધારા બાબતે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યુ હતુ કે, જોશીપુરા, ખામધ્રોળ સહિતના શહેરના કુલ 30 વિસ્તારોમાંથી અશાંતધારા બાબતે રજૂઆતો આવી હતી. ઉપરાંત શહેરમાં રેલીઓ, બેઠકોનુ પણ આયોજન થયા હતા. આ બાબતે અમારા તરફથી એકવાર દરખાસ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ તેમા થોડા સુધારા હોવાથી ફરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલ જૂનાગઢ એસપીને શહેરના 30 વિસ્તારો કે જ્યાંથી રજૂઆત મળી તે વિસ્તારમાં ક્રાઈમ રેટ કેવો છે તેનો સર્વે કરી આગામી સપ્તાહમાં રિપોર્ટ આપવા જણાવેલ છે. તેમજ એસપી, એસડીએમ સહિતના અધિકારીઓ સાથે બેઠક પણ થશે. આમ, અશાંતધારા મુદ્દે શહેરના 30 વિસ્તારોમાં ક્રાઇમ રેટનો સર્વે શરૂ થયો છે અને ફરી કલેકટર-એસપીની બેઠક મળનાર છે.
હિન્દુહિત રક્ષક સમિતિ, હિન્દુ પરિષદ અને બજરંગ દળ પણ મેદાને
રેલી અશાંતધારાની બાબતમાં લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ મામલે હિન્દુ હિત રક્ષક સમિતિ પણ મેદાને આવી છે. અગાઉ આ સમિતિ દ્વારા ઝાંસીની રાણીથી કલેકટર કચેરી સુધીમાં અશાંતધારા બાબતે રેલીનુ આયોજન કરાયુ હતુ જેમાં 3 હજારથી વધુ લોકો જોડાયા હતા. બાદમાં જોષીપરા ક્યાડા વાડી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા બાઇક અને સનાતન હિંદુ સંમેલનનુ આયોજન કરાયુ હતુ. જેમાં પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ બાઇક રેલી અને સનાતન હિન્દુ સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અશાંતધારા બાબતે ચર્ચા કરી હતી