ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ.ડી.ધનાણીએ આજે કુતિયાણા મામલતદાર કચેરી ખાતે આવેલ જન સેવા અને ઈ-ધારા કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ કેન્દ્રની વિવિધ સેવાઓની કામગીરીની સમીક્ષા કરી અને નાગરિકો સાથે ચર્ચા કરી. કુતિયાણા જન સેવા કેન્દ્રમાં લાભ લેવા માટે આવેલા નાગરિકો સાથે સંવાદ કરતા, તેમણે કેન્દ્ર દ્વારા પ્રદાન થતી સેવાઓના ગુણવત્તા અંગે નાગરિકો પાસેથી પ્રતિભાવો મેળવ્યા. તેઓએ વિવિધ સેવાઓની પદ્ધતિ, નાગરિકોને મળતી સહાય અને તેમાંની સુવિધાઓની જાણકારી લીધી. આ ઉપરાંત, કલેક્ટરએ ઈ-ધારા કેન્દ્રની પણ મુલાકાત કરી, જ્યાં જમીન સંબંધિત કાર્યકાળ અને વિવિધ પ્રશ્નોને લઈને નાગરિકોની ફરિયાદો સાંભળી. ઈ-ધારા કેન્દ્રની કામગીરી પર પણ તેમણે સવસ્તુ નિરીક્ષણ કર્યું. કુતિયાણા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યાં. તેઓએ નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને તમામ પ્રશ્નોના નિયમ મુજબ નિરાકરણ લાવવાની સૂચના આપી. કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ રાશનકાર્ડ, દબાણ, સ્ટ્રીટલાઈટ અને સફાઈ જેવા મુદ્દાઓ રજૂ કર્યા. આ તકે પ્રાંત અધિકારી પારસ વાંદા, મામલતદાર બી.આર.સુમરા અને નગરપાલિકા ચીફ ઓફિસર મયુર જોષી સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.



