2 હજાર આરોગ્ય કર્મીઓ દ્વારા 43000 હજાર આયુષ્માન કાર્ડ બન્યા: ગંગાસ્વરૂપા યોજના અન્વયે 2500 ગંગાસ્વરુપા બહેનોનો પેન્શનમાં સમાવેશ
ખાસ-ખબર સંવાદદાતા
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સિદ્ધિની સમીક્ષા કરતા કલેકટરશ્રી પ્રભવ જોશીએ સરકારની સત્તર જેટલી યોજના અન્વયે કરાયેલી કામગીરીની જાણકારી મેળવી સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી. આ બેઠકમાં અધિકારીઓએ રજૂ કરેલ માહિતી મુજબ જિલ્લામાં આયુષ્માન કાર્ડની યોજના શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 12 લાખ આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે. અત્યારે આ કામમાં રાજકોટ જિલ્લો રાજ્યભરમાં ત્રીજા ક્રમે છે. હાલમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 2 હજાર આરોગ્ય કર્મીઓ કામ કરી રહ્યા છે. જેના પરિપાકરૂપે અત્યાર સુધીમાં 43000 હજાર આયુષ્માન કાર્ડ બની ચૂક્યા છે. જ્યારે ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે 450 અરજીઓ નવા રેશન કાર્ડ માટે મળી છે, વિશ્વકર્મા યોજનામાં રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા વિવિધ 18 પ્રકારના ક્ષેત્રોમાં કામ કરતા કુલ 328 કારીગરોની અરજીઓ મળી છે. યાત્રા દરમિયાન નવી 2500 ગંગાસ્વરૂપા બહેનોની ઓળખ કરાઈ છે, જેઓનું હવે પછી પેન્શન શરૂ થશે. ઉજજવલા યોજનામાં 2000 લાભાર્થી નોંધાયા છે. આ ઉપરાંત પંડિત દિન દયાલ ઉપાધ્યાય, પાલક માતા પિતા યોજના, કિશાન સન્માન, કિશાન ક્રેડિટ કાર્ડ, સહિતની યોજનાઓની સમીક્ષા આ બેઠકમાં કરાઇ હતી. કલેકટરશ્રીએ યાત્રા દરમિયાન જડબા સહિતનાં કેન્સર માટે કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનુ આયોજન કરવા, પોષણ અભિયાન, બાળ તંદુરસ્ત સ્પર્ધાને સન્માનિત કરવા જણાવ્યું હતું. અને ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ માટે વિકસિત ભારત માટે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. આ બેઠકમાં એસ.પી.શ્રી જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ડી.આર.ડી.એ.નિયામકશ્રી આર. એસ. ઠુમર, ડી.સી.પી.શ્રી સજ્જનસિહ પરમાર, પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સિદ્ધિની સમીક્ષા કરતા કલેકટર પ્રભવ જોશી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/1-25.gif)