– પોરબંદર જિલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ શરૂ
– EVM ઓપરેટ કરવા અને મતદાન પ્રક્રિયામાં કેવી રીતે કાળજી લેવી તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું
- Advertisement -
ખાસ ખબર – પોરબંદર, તા.28
લોકસભાની સામાન્ય ચુંટણી 2024 સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના આયોજન અંગે તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે, ત્યારે પોરબંદર લોકસભા બેઠક અને વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ થઈ રહી છે. ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર રાણાવાવ હાઇવે ઉપર આવેલ ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 83-પોરબંદર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી, અધિકારીઓને ઇવીએમ અંગે તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.ડી. લાખાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તમામ કર્મચારીઓને ચૂંટણીની કામગીરી દરમિયાન રાખવાની થતી તકેદારી વિશે સૂચનો કરાયા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ તમામ પ્રકારની કામગીરી થાય તેના વિશે તકેદારી પૂર્વક સમગ્ર ચૂંટણી કાર્ય કરવા જણાવ્યું હતું. ગોઢાણીયા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 માસ્ટર ટ્રેનરો દ્વારા ઇવીએમ ઓપરેટ કરવાથી લઈને હાથથી ઇવીએમ સહિતની કામગીરી કેવી રીતે કરવી તેના વિશે સમજ આપવામાં આવી હતી. ચૂંટણીના કામ સાથે જોડાયેલ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફસ્ટ પોલિંગ ઓફિસરને ઇવીએમમાં કરવાની થતી તમામ બાબતો અંગે જીણવટ ભર્યુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ અલગ અલગ ત્રણ સેશનમાં પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફસ્ટ પોલિંગ ઓફિસર સહિતના 900 જેટલા કર્મચારીઓએ તાલીમ લીધી હતી. આ તાલીમમાં 27 માસ્ટર ટ્રેનર, 21 જોનલ ઓફિસર, 50 રેવન્યુ વિભાગના સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.