ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટોલ ટેક્ષ વિરોધ સહિતની લોકફરિયાદને ધ્યાને લઈ બેઠક યોજાઈ
ખાસ-ખબર સંવાદદાતા
કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા ગત તા. 23 ઓગસ્ટના રોજ રોડ રસ્તા અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં હાઇવે રોડના કામની પ્રગતિ ખૂબ જ ધીમી હોવાનું તેમજ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના સમારકામ અંગે સત્વરે કામગીરી કરવા જણાવાયું હતું પરંતુ રાજકોટ-અમદાવાદ હાઇવે તેમજ રાજકોટ-જેતપુર હાઈવેના સમારકામની કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી હોવાની લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હાઈ-વેની બિસ્માર પરિસ્થિતિને પરિણામે વાહન ચલાવવામાં પડતી મુશ્કેલીઓની રજુઆત કલેકટરને કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા કલેકટરને ટોલપ્લાઝા ઓપરેટર્સના ધ્યાને આ વાત પહોંચાડવા તેમજ સત્વરે રોડ સમારકામ કરવા અનુરોધ કરાયો હતો, અન્યથા ટોલ નહીં ભરવા પણ તાકીદ કરવામાં આવી હતી.
- Advertisement -
કલેકટર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ, માર્ગ મકાન, આર.ટી.ઓ. સહિતના વિભાગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણીઓ સાથે આજરોજ બેઠક કરવામાં આવી હતી. કામગીરીમાં ઢીલાશ સંદર્ભે કલેકટર દ્વારા આજરોજ નેશનલ હાઇવે ઓથોરિટી વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવા સરકારમાં દરખાસ્ત શા માટે ન કરવી તે અંગે નોટિસ પાઠવવામાં આવી છે. બેઠકમાં ઉપસ્થિત નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ રસ્તા સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગની કામગીરી ઝડપી કરવા આ તકે ખાત્રી આપી હતી.