જૈન સંઘના 12 હજારથી વધુ શ્રાવકોએ તપસ્વીઓને પારણા કરાવ્યા
રૂપાણી સર્કલથી તપસ્વીઓના વરઘોડાને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યુ, ગુરૂ ભગવંતોએ પચ્ચખાણ આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘના ઉપક્રમે શહેરમાં ચાતુર્માસ બિરાજમાન પરમ પૂજય ગુરૂ ભગવંતોની પાવન નિશ્રામાં 531 થી અધિક સિધ્ધિદાયક સિધ્ધિતપના તપસ્વીઓના તપશ્ચર્યા મહોત્સવ પ્રસંગે રૂપાણી જિનાલયથી તપસ્વીઓના વિશાળ વરઘોડાને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. જયારે જવાહર મેદાનમાં આયોજીત સામુહિક શાહી પારણા મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષએ પારણા કરાવ્યા હતા.
તપશ્ચર્યાની અનુમોદના પ્રસંગે ભાવનગરની ટુંકી મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ શુક્રવારે સવારે રૂપાણી જિનાલય ખાતે આવી દેવદર્શન અને ગુરૂ ભગવંતોના આર્શિવચન લીધા બાદ મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો,ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ તપાસંઘના હોદેદારોની ઉપસ્થિતીમાં તપસ્વીઓના વિશાળ વરઘોડાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતુુ. જયારે જૈનમ જયતિ શાસનમના જયઘોષ સાથે આ વરઘોડો વાજતે ગાજતે જવાહર મેદાનમાં આવ્યો હતો.જયા પ્રારંભે ગુરૂ ભગવંતોએ પચ્ચકખાણ આપ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પાટીલે જણાવ્યુ હતુ કે, જૈન સમાજ અન્ય સમાજને અને જૈન સંતો જૈન સમાજને માર્ગદર્શન આપે છે.વધુમાં તેઓએ સમાજની વિશિષ્ઠતાઓ અને સમાજના દાતાઓને બીરદાવ્યા હતા. બાદ મુખ્ય મનોરથી પરિવારના સભ્યો તેમજ રાજકીય આગેવાનોએ તપસ્વીઓને પારણા કરાવ્યા હતા. જયારે બપોરે 12-30 સુધીમાં ત5સ્વીઓને જૈન સંઘના 12 હજારથી વધુ લોકોએ પારણા કરાવ્યા હતા.
531થી અધિક તપસ્વીઓએ પુણ્યનું ભાથુ બાંધ્યુ
ભાવનગર જૈન સંઘમાં ચાલુ વર્ષે ગુરૂ ભગવંતોની નિશ્રામાં 290 આરાધકોએ 4 ઉપવાસ, અઠ્ઠાઈ અને નવ ઉપવાસ, 12 તપસ્વીઓએ માસક્ષમણ, 75 જેટલા 64 પ્રહરી પૌષધ વ્રતની આરાધના કરી હતી. જયારે ભારતમાં એકમાત્ર ભાવનગર શહેરમાં જ 125 બાળાઓએ અક્ષયનિધિ તપની આરાધના કરી હતી. જયારે 10 વર્ષથી લઈને 82 વર્ષ સુધીના કુલ મળીને 525 થી અધિક આરાધકોએ આરાધના કરી છે. જે તપસ્વીઓમાં બંને આંખે અંધ તેમજ 15 વર્ષના 23 વિદ્યાર્થીઓ સહિત 531 થી અધિક આરાધકોએ 44 દિવસીય સિધ્ધિદાયક સિધ્ધિ તપની આરાધના કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.