સ્થાનિક અધિકારીએ કહ્યું : 280મી ફરિયાદ છે, વિભાગ કાર્યવાહી કરતું નથી!
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના એસટી બસ સ્ટેશનમાં લઘુશંકા કે શૌચ ક્રિયા માટે મુસાફરો પાસેથી 5 થી લઇને 10 રૂપિયાનું ઉઘરાણું થતું હોવાની ફરિયાદ ઉઠી છે. દરમિયાન આ અંગે ફરજ પરના અધિકારીને જાણ કરતા તેમણે પણ એસટી વિભાગ કોઇ કાર્યવાહી કરતું ન હોવાનો નિસાસો વ્યકત કર્યો હતો. આ અંગે સાગર નિર્મળે એસટીના ડેપો મેનેજરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, બસ સ્ટેશનમાં દરરોજ હજ્જારો મુસાફરો આવતા હોય છે. આવા મુસાફરો બસ સ્ટેન્ડમાં જાહેર શૌચાલયમાં જાય છે તો લઘુશંકાના તેમજ શૌચાલયના પૈસા ઉઘરાવાય છે. લઘુશંકાના 5 અને કુદરતી હાજત (શૌચક્રિયા)ના 10 રૂપિયા પડાવાય છે. ત્યારે આ મામલે ફરજ પરના અધિકારીને ટેલીફોનીક જાણ કરતા તેમણે જણાવ્યું હતું કે, આ તમારી 280મી ફરિયાદ છે. અમને તો ફરિયાદ મળે તો કાર્યવાહી કરીએ છીએ, પરંતુ એસટી વિભાગ કોઇ કાર્યવાહી કરતું નથી! ત્યારે આ મામલે એસટીના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત છે કે તેમના છૂપા આશિર્વાદ છે? જેના કારણે આ ઉઘાડી લૂંટ અટકતી નથી તેવું પણ મુસાફરોમાં ચર્ચાઇ રહ્યું છે.
- Advertisement -
મહિને અંદાજે 1.50 લાખની કમાણી!
બસ સ્ટેશનમાં દરરોજ હજ્જારો મુસાફરો આવે છે. દરરોજના માત્ર 1,000 મુસાફર અને માત્ર 5 રૂપિયા ગણો તો પણ મહિને 1,50,000ની કમાણી કરે છે. ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેમજ જો નાણાં લેવાના થતા હોય તો કેટલા લેવાના થાય તેના બોર્ડ મારે તેમજ ફરિયાદ માટેના નંબર પણ બોર્ડમાં લખવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી છે.