ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.24
સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને પર્યાવરણના જતન માટે જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને જાહેરમાં ન્યૂસન્સ ફેલાવતા આસામીઓ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખતા વેપારીઓ અને જાહેર માર્ગો પર કચરો ફેંકી ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન રૂ. 3300 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જો કોઈ વેપારી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કે કોઈ નાગરિક જાહેરમાં ગંદકી કરતા પકડાશે, તો વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા તત્વો પાસેથી દંડની વસૂલાત



