હજુ બે દિવસ કોલ્ડ વેવની ચેતવણી
વડોદરામાં 8.4, ડીસામાં 8, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
માવઠાનો માહોલ વિખેરાતાની સાથે જ ઠંડીનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી કેટલો નીચે ઉતરી ગયો છે અને તેના કારણે કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ બે દિવસ આ મુજબ ઠંડીનું મોજું ફરી વળશે.
સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન ગિરનાર પર્વત પર 3.2 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ત્રણ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુતમ તાપમાન 4.6 ડિગ્રી રહેવા પામ્યું છે. વડોદરામાં 8.4 ડીસામાં 8 અને રાજકોટમાં 9.7 ડિગ્રી આજે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ-ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં કોલ્ડ વેવ કન્ડિશન સર્જાવા પામી છે.સૌરાષ્ટ્રના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો ભૂજમાં 10.8 ભાવનગરમાં 10.4, દ્વારકામાં 15 અને કંડલામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.