રાજ્યનાં 7 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીના ચમકારામાં પણ વધારો થઇ રહ્યો છે. ગઈકાલે રાતે 7 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં નલિયામાં 16.2 ડિગ્રી સાથે નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ નલિયામાં 15 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં 18.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું. આગામી 3 દિવસ સરેરાશ લઘુતમ તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ગઈકાલે રાતે ગાંધીનગર, ડીસા, અમરેલી, વડોદરા, ભુજમાં પણ 20 ડિગ્રીથી નીચું તાપમાન હતું. હવામાન વિભાગની આગાહી મુજબ 26-27 નવેમ્બરના રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. 26મીએ વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથમાં જ્યારે 27મીએ અમદાવાદ, આણંદ, દાહોદ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર-સોમનાથ, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાવવાની સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે.
આ શહેરમાં ઓછું તાપમાન નોંધાયું
નલિયા 16.2 ડિગ્રી
ગાંધીનગર 16.4 ડિગ્રી
ડીસા 17.0 ડિગ્રી
અમરેલી 17.8 ડિગ્રી
અમદાવાદ 18.3 ડિગ્રી
વડોદરા 19.2 ડિગ્રી
ભુજ 19.2 ડિગ્રી
ભાવનગર 20.8 ડિગ્રી
રાજકોટ 21.4 ડિગ્રી
સુરત 22.0 ડિગ્રી