ગુજરાતમાં કોલ્ડ વેવની અસર હવેથી ઘટશે, પ્રજાને મળશે ઠંડીમાં રાહત
હવામાન વિભાગની આગાહી અનુસાર મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાશે. તેમજ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે. જેમાં આગામી ગુરુવારે 5.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બનશે.
ગુજરાતમાં હવેથી ધીરે- ધીરે ઠંડીનું પ્રમાણ ઘટશે. જેમાં કોલ્ડવેવની અસર ઘટતા ઠંડીનો ચમકારો ઓછો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આ પૂર્વે આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જેમાં બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે; અને બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડ વેવની અસર રહેશે. હવે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે. અત્યારે લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે; જેમાં બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને વિશેષ સાવચેત રહેવા માટે સૂચના અપાઈ છે.
- Advertisement -