આજે તામિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, કેરળ, રાયલસીમાના મોટાભાગના સ્થળો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેવું ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
એક તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી વધી રહી છે તો બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી-એનસીઆરથી લઈને યુપી-બિહાર સુધી ઠંડી વધવા લાગી છે અને પહાડો પર થઈ રહેલી હિમવર્ષાના કારણે પણ ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી લઈને તેલંગાણા અને કર્ણાટક સુધી વરસાદ પડી શકે છે. તો યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં જોરદાર ઠંડી પડી શકે છે. IMD અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.
- Advertisement -
હળવાથી ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના (south peninsular) ભારતમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે અને તે પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે. 13 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ અને નજીકના પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આજે તામિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ, કેરળ, માહે, રાયલસીમાના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આજે કેવું રહેશે દિલ્હીનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે એટલે કે મંગળવારે સવારે દિલ્હીમાં ધુમ્મસની સાથે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 26 ડિગ્રી સેલ્સિયસ અને આઠ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન સપાટી પરના પવનની ઝડપ 15થી 18 કિમી/કલાકની હોવાની અને તાપમાનમાં વૃદ્ધિને કારણે AQIમાં સુધારો થવાની સંભાવના છે. તો કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આજે પણ હિમવર્ષા થવાની સંભાવના છે. આગામી ચાર-પાંચ દિવસમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.
આજે ક્યાં- ક્યાં વરસાદ પડશે
હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાયમેટ અનુસાર, આજે એટલે કે મંગળવારે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર અને આંદામાન નિકોબાર ટાપુઓના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં હળવો વરસાદ થઈ શકે છે.