ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર નજીક આજે એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જ્યાં કોસ્ટ ગાર્ડની ટીમે હિંમતપૂર્વક અને ઝડપભેર કામગીરી કરી એક ક્રૂ મેમ્બરને જીવ બચાવ્યો હતો. હજીરાથી કચ્છ તરફ જતા જહાજમાં પોરબંદર થી 60 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવાના કારણે મેડિકલ ઇમરજન્સી સર્જાઈ હતી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે સમયે દરિયામાં તેજ પવન અને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિ હતી, જેના કારણે દર્દીને તાત્કાલિક સારવાર માટે તટ પર લાવવા માટે કઠિનાઈઓ આવી હતી.
પરંતુ કોસ્ટ ગાર્ડની ટીમે હિંમત ન હારી અને પોરબંદરથી 20 કિલોમીટરની આસપાસ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને 100 મીટર લીફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત રીતે બહાર લાવવાનો નિર્ણય કર્યો.દર્દીને સલામત સ્થળે લાવવા માટે સ્પોટ મેડિકલ સારવાર કરવામાં આવી અને તરત જ સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો.પોરબંદર કોસ્ટ ગાર્ડની ટીમની બહાદુરી અને સમર્પણના પ્રશંસા પાત્ર છે, કારણ કે તેમની આ વહેલી અને કાર્યક્ષમ કામગીરીના કારણે એક જીવ બચી શક્યો.