તરણેતર, સોનગઢ, ખાખરાથળ, ગુગલિયાણા સહિતના વિસ્તારોમાં બેફામ ખનન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
એક તરફ રાજ્યના ગૃહ મંત્રી અને ડીજીપી અસમાજિક પ્રવૃતિ અટકાવવા માટે 100 કલાકમાં કાર્યવાહી અંતર્ગત ગુન્હેગારો પર લગામ કાઢવાની સૂચના આપે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ગેરકાયદેસર વીજ ચોરી, ગેરકાયદેસર વિસ્ફોટક જથ્થો તથા સરકારી અધિકારીઓ પર હુમલો કરી દાદાગીરી કરનાર ખનિજ માફિયાઓ આજેય બેફામપણે કોલસાની ખનિજ ચોરી કરી રહ્યા છે. જોકે હાલમાં જ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢના ભડુલા અને જામવાડી વિસ્તારમાં એક સાથે 247 જેટલી ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડો કરી 3200 ટન જેટલા કોલસા સાથે કરોડોનો મુદામાલ જપ્ત કર્યો હતો પરંતુ હજુય થાનગઢના અનેક વિસ્તારોમાં આ પ્રકારે ગેરકાયદેસર કોલસાના કુઆ ચાલી રહ્યા છે. જેમાં થાનગઢના તરણેતર, ખાખરાથળ, ગુગલિયાણા, સોનગઢ સહિતના વિસ્તારોમાં કોલસાનું ખનન યથાવત જોવા મળી રહ્યું છે.
થાનગઢ પંથકના ભડુલા અને જામવાડી વિસ્તારમાં દરોડા બાદ હજુય કોલસાના ખનિજ માફિયાઓને જરાય ડર નથી. જેમ કે તંત્ર આ ખનિજ માફિયાઓને હિંમત પૂરી પાડતું હોય તે પ્રકારે માફીયાઓ જાણે બિન્દાસ્તપણે કોલસાનું ગેરકાયદેસર ખનન યથાવત રાખે છે. આ ખનિજ માફીયાઓ ગેરકાયદેસર કોલસાના ખનન સાથે ગેરકાયદેસર વિસ્ફોટકોનો જથ્થો પણ ઉપયોગ કરતા હોય છે જે અંગે એક વીડિયો પણ વાયરલ થયો છે આ વીડિયોમાં કોલસાની ગેરકાયદેસર ખાણમાં વિસ્ફોટક જથ્થા વડે બ્લાસ્ટિંગ કરતા હોવાનું અને બ્લાસ્ટિંગના લીધે કોલસાના કુઆ માંથી આશરે ચાલીસથી પચાસ ફૂટ જેટલા ઉપર પથ્થર ઊડતા હોવાનું દૃશ્યમાં થાય છે. ખનિજ માફીયાઓ ગેરકાયદેસર કોલસાના કુઆ ખોદવા માટે ઉપયોગ કરતા આ વિસ્ફોટક જથ્થા વડે બ્લાસ્ટિંગ કરતા સમયે લગભગ પાંચેક કિમી સુધી ભડાકાનો અવાજ સંભળાય છે જેના લીધે આજુબાજુ રહેતા રહેણાક વિસ્તારોમાં પાયા પણ ડગમગી જાય છે પરંતુ હજુ સુધી આ પ્રકારના અવાજ અને ગેરકાયદેસર કોલસાના ખનન સામે અહીંના સ્થાનિક અધિકારીઓના મન ક્યારેય ડગમગાતા નથી.