ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સતા મંડળના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત આવતીકાલે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાશે. જયારે રાજકોટ જિલ્લના પ્રભારીમંત્રી રાઘવજી પટેલ તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા કાર્યક્રમમાં કાલાવડ રોડ પર એ.જી.ચોક ખાતે સ્થળ પર ઉપસ્થિતિ રહેશે.આવતીકાલે થનાર લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં સૌથી મહત્વનો કાલાવડ રોડ પર જડ્ડુસ ચોક સ્થિત રૂ.28.52 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફ્લાયઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. બ્રિજની લંબાઈ 360 મીટર છે જયારે પહોળાઈ 15.50 મીટર છે. આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવતા રોજિંદા 3 લાખ રાહદારીઓને સીધો ફાયદો થશે જેમાં કાલાવડ રોડ પર આવેલી શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, મેટોડા ૠઈંઉઈ ખાતે જતા ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ તેમજ કાલાવડ જતા લોકોને સીધો ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન બનશે
રૈયા સ્મશાન અને રિંગરોડ 2ના ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે અને ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે જોડતા રસ્તાને પણ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં વોર્ડ નં.9 માં રૈયા મુક્તિધામ ખાતે રૂ.4.07 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક ગેસ આધારિત સ્મશાન બનાવવામાં આવેલ છે. રીંગરોડ-2 ફેઝ-3 માં ગોંડલ હાઇવે થી ભાવનગર હાઇવે સુધીનાં 10.60 કી.મી. રસ્તાની કામગીરી 16.36 કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. રીંગરોડ-2, ફેઝ-4 માં ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે સુધીનાં 10.30 કી.મી. રસ્તાની કામગીરી રકમ રૂ.22.04 કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલી છે.