સરહદની સુરક્ષા કરતા 85 બટાલિયનના જવાનને મળી CMએ તેમની સાથે ભોજન લીધું
ખાસ-ખબર ન્યૂઝ કચ્છ
- Advertisement -
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ-2025ના ત્રીજા દિવસે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરનની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોચ્યા હતા. જ્યાં તેમને બી.એસ.એફ ખાવડા બીઓપી ખાતે 85 બલૂચ વિજેતા બટાલિયનના જવાનો સાથે ખાસ સંવાદ કર્યો હતો તેમજ સંત્રીઓના ખબરઅંતર પૂછીને ’ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરીટી ફોર્સ બી.એસ.એફ.ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું.મુખ્યમંત્રીએ જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું. ગુજરાત ફ્રન્ટિયર બી.એસ.એફના આઈ.જી.અભિષેક પાઠકે સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બી.એસ.એફ. ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભુજમાં “બી.એસ.એફ રેઈઝીંગ ડે પરેડ’ની ઉજવણી કરાશે એમ તેઓએ જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, બી.એસ.એફ વેસ્ટર્ન કમાન્ડના એડીજી એસ.એસ.ખંધારે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, બી.એસ.એફ ભુજના ડીઆઇજી અનંતકુમાર સિંઘ, 85 બટાલિયનના કમાન્ડન્ટ શિવકુમાર સહિત જવાનો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1971ના યુદ્ધમાં જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં પ્રવેશી પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી
1971ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કોલમ નષ્ટ કરી હતી અને 21માં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યુ હતુ. 85 બટાલિયને રેજિમેન્ટલ ઈન્સિગ્નિયા અને રાઈફલ રેક જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને 1971ના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં, ઓપરેશન સિંદુરમાં પણ 85 બટાલિયન બી.એસ.એફ.એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.