ગુજરાતમાં વરસાદી માહોલ અંગે રાજ્ય સરકાર દ્વાર કરવામાં આવી સમીક્ષા, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કંટ્રોલરૂમ પહોંચીને રાજ્યમાં વરસાદની સ્થિતિનો આપ્યો ચિતાર
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે રાજ્યસરકાર નજર રાખી રહી છે. કચ્છ, સૌરાષ્ટ્ર તથા અમદાવાદ સહિત ધોધમાર વરસાદને લઇને ચારેયકોર હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક હાઇવે બંધ તો ક્યાંક વીજપુરવઠો પણ ખોરવાયેલો છે. જો કે સમગ્ર સ્થિતિ અંગે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઇને સમીક્ષા કરી છે. તેઓએ એમ પણ જણાવ્યુ કે સીએમ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યા છે. તેમજ વહીવટી તંત્રને આદેશ કરવામાં આવ્યો છે કે જેટલુ બને એટલું જલદી સરવે કરવામાં આવે જેથી લોકોને સહાય-કેશડોલ પહોંચાડવામાં સરળતા થાય.
- Advertisement -
51 સ્ટેટ હાઇવે બંધ કરાયા- મહેસૂલ મંત્રી
ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં હજી 124 બસરૂટ બંધ હાલતમાં છે. તેમજ ભારે વરસાદને કારણે 481 પશુઓના તણાવાથી મોત નીપજ્યા છે. વધુમાં 51 સ્ટેટ હાઇવે બંધ કરાયા તેમજ કચ્છ, નવસારી અને ડાંગના રસ્તા બંધ કર્યા હોવાનું જણાવ્યુ હતું.
’21 જળાશયો સંપૂર્ણ રીતે ભરાયા’
- Advertisement -
તો રાજ્યમાં વરસાદી માહોલને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહશક્તિના 48 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના 21 જળાશયો સંપૂર્ણ રીતે ભરાઇ જવા પામ્યા છે. જ્યારે એવા 30 જળાશયો છે જે 70થી 80 ટકા ભરાયા હોય તેવી માહિતી મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપી હતી.
‘વિવિધ વિસ્તારોમાં NDRFની 19 ટીમ તૈનાત ‘
તો આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્થિતિને પહોંચી વળવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં NDRFની 19 ટીમ તૈનાત હોવાનું જણાવ્યું. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનું હવાઇનિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બોડેલી, નવસારીમાં સીએમ દ્વારા હવાઇ નિરીક્ષણની સાથે સાથે અસરગ્રસ્ત લોકોને પણ મળ્યા. મહત્વનું છે કે અત્યાર સુધીમાં 31થી 35 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. 21 હજાર 94લોકો હજુ પણ આશ્રય સ્થાન પર હોવાનું મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.