મન મૂકીને વરસતા વરસાદથી લોકહૈયા પુલકિત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં જાણે મેઘરાજા મહેરબાન થયા હોય તેમ રવિવારે દિવસભર વરાપ નીકળ્યા બાદ રાતના સમયે વીજળીના ચમકારા વચ્ચે અચાનક મેઘ સવારી આવી પહોંચી હતી અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘકહેર જોવા મળી રહ્યા છે.
- Advertisement -
ગત રાત્રીના ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા જેમાં મોરબીના શહેરના રવાપર રોડ, લાતી પ્લોટ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે જ્યારે ભારે વરસાદને પગલે શહેરના માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
મોરબીમાં ગત રાત્રીના 121 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો તો હળવદમાં 42 મીમી, ટંકારામાં 41 મીમી, વાંકાનેરમાં 23 મીમી જ્યારે માળીયામાં 1 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલ વરસાદને પગલે એક જ રાતમાં નાના મોટા વોકળા ભરાઈ ગયા હતા અને નદીઓમાં ઠલાવવા લાગ્યા હતા તો અનેક નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યારે રસ્તા પણ જળમગ્ન થઈ ગયા હતા જેના કારણે વાહનો બંધ થઈ ગયા હતા તો સવારે નોકરી ધંધા માટે જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી.
મોરબી જિલ્લાના 10માંથી 7 ડેમમાં નવા નીરની આવક
મોરબી જીલ્લાના 10 ડેમમાંથી 7 ડેમમાં નવા નીર આવ્યા હતા જેમાં સૌથી વધુ ડેમી 3 ડેમમાં 9861 કયુસેક પાણીની આવક નોંધાઈ હતી તો મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં પણ 4858 ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે મચ્છુ 3 ડેમમાં 1162 કયુસેક પાણીની આવક થઈ છે. ટંકારા તાલુકાની વાત કરીએ તો ડેમી 2 ડેમમાં 98 કયુસેક પાણીની આવક થઈ છે જ્યારે ડેમી 3 ડેમમાં જિલ્લાની સૌથી વધુ આવક નોંધાઈ છે. અહીં 9861 કયુસેક પાણીની આવક થઈ છે તેમજ ડેમી 1 ડેમમાં હજુ કોઈ નવી આવક નોંધાઈ નથી અને ડેમની સપાટી 55.95 ફૂટ પર સ્થિર છે. હળવદ તાલુકાની વાત કરીએ તો બ્રાહ્મણી 1 ડેમમાં હજુ પણ નર્મદા કેનાલની આવક ચાલુ છે સાથે સાથે વરસાદ એમ બંને પ્રકારે કુલ 345.68 કયુસેક પાણીની આવક થઈ છે. આ સિવાય બ્રાહ્મણી 2 ડેમમાં 315 કયુસેક પાણી આવી રહ્યું છે જેમાંથી 250 ક્યુસેક પાણી સૌની યોજના અંતર્ગત કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.