ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને સમાજમાં જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપને સહયોગ આપવા સૂચન કરવા અપીલ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદન બાદ રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય સમાજના આંદોલને રાજ્યમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માગી લીધા બાદ પણ પ્રદેશ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી અને ક્ષત્રિય સમાજનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યું છે. આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રભારી રત્નાકર અચાનક રાજકોટ દોડી આવ્યા હતા અને ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક કરી હતી. જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવાનુ સૂચન કરવા અપીલ કરી હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાએ રાજા-રજવાડાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા તે પ્રકારનું નિવેદન કરતા સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે ફેલાયો હતો. રાજ્યનાં અલગ-અલગ સ્ટેટના રાજવીઓ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાના નિવેદનને વખોડ્યું હતું. જેથી, સૌપ્રથમ રૂપાલાએ વીડિયો જાહેર કરી ક્ષત્રિય સમાજની માફી માગી હતી. ત્યારબાદ ગોંડલના શેમડામાં જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં જાહેર મંચ પરથી પુરૂષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી હતી. જોકે, તે બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ દિન-પ્રતિદિન વધતો ગયો. રૂપાલાની ટિકિટ રદ કરવા માટેનુ આંદોલન પાર્ટ-1 પૂર્ણ થઈ ગયું છે અને પાર્ટ-2 શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે બપોરે અચાનક રાજકોટ દોડી આવ્યા હતા.