ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ક્લાયમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્ક ફોર્સની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આરોગ્યલક્ષી સંસ્થાઓમાં ઓ.આર.એસ., પીવાનું ઠંડુ પાણી, ગ્લુકોઝ, લિકવિડ આઇવી ફ્લૂઇડ સહિતની પ્રાથમિક સારવાર કીટ અને દવાઓનો જથ્થો હોય તે આવશ્યક છે. કોઈપણ નાગરિકને હીટ વેવના લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના સરકારી દવાખાનામાં સારવાર લેવી જોઈએ.
આ ઉપરાંત ઠંડા પીણા, બરફના ગોળા, આઈસ્ક્રીમ, શરબત, બરફના કારખાના, ખાણી પીણીની લારીઓ, ચાપાણીની કેબિનો, પાનના ગલ્લાઓ, નાસ્તા, મીઠાઈની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓને બક્ષવામાં આવશે નહીં અને તેમને કડક દંડ ફટકારવામાં આવશે. શાળા કોલેજોમાં હીટ વેવની માર્ગદર્શિકા અને જાહેર સ્થળોએ આરોગ્યની માહિતીલક્ષી પત્રિકાઓનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. ખેતીવાડી, આરોગ્ય, પશુપાલન શાખા સહિતની વિવિધ કચેરીઓ દ્વારા હીટ વેવને અનુરૂપ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સહિત સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.