કલેક્ટરના નેતૃત્વમાં નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ત્રિમાસિક સફાઈ અભિયાન પૂર્ણ
કચરાના પોઇન્ટ વાળી જગ્યાઓએ CCTV કેમેરા મુકાયા, દંડનીય કાર્યવાહીની શરૂઆત થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં ત્રિમાસિક સફાઈ અભિયાન ડિસેમ્બર માસમાં શરૂ કરવામાં આવ્યું હતું.જેને ફેબ્રુઆરી માસમાં 3 મહિના પૂર્ણ થયા છે.ત્યારે આ સફાઈ અભિયાનની સાથે સાથે ઢોર પકડવા, કચરાના પોઇન્ટ નાબૂદ કરવા વગેરે કામગીરી કરવાની હતી.અત્યાર સુધી પાલિકા દ્વારા 35 લાખના ખર્ચે 400 સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરમાં સફાઈ અભિયાનની કામગીરી કરવામાં આવી છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ત્રીમાસિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે તે પૂર્ણ થતા ભાસ્કરે ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સફાઈ અભિયાન અંતર્ગત 400 જેટલા સફાઈ કર્મીઓની મદદથી શહેરમાં અંદાજે 35 લાખના ખર્ચે તમામ ખુલ્લા પ્લોટ,કચરાના પોઇન્ટ સહિત દરેક વિસ્તારોની સફાઈ કરી રખડતા 300 થી વધુ ઢોર પકડી ગૌશાળામાં મોકલી આપવામાં આવેલ છે.સફાઈ અભિયાન દરમિયાન 17 જેટલા કાયમી કચરાના પોઇન્ટ ધ્યાને આવતા ત્યાં બેન્ચ મૂકી પેઇન્ટિંગ કરવામાં આવી છે,વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.જેથી આગામી દિવસોમાં કચરાના પોઇન્ટ નાબૂદ થાય.આ ઉપરાંત જરૂરિયાતના વિસ્તારોમાં ઇન્સ્પિરેશનલ ટોયલેટ પણ બનાવવામાં આવશે જે પૈકી 2 ટોયલેટ તૈયાર થઈ ચૂક્યા છે.