ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો આવતા રૂટ પર વિવિધ જગ્યાએ એકત્ર થયેલ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરી ગિરનાર આસપાસના વિસ્તારને સ્વચ્છ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાન હાથ ધરાયું છે.
વન વિભાગ અને પોલીસ તાલીમ કેન્દ્ર ચોકીના 280 તાલીમાર્થીઓ સ્ટાફની અલગ-અલગ ટુકડીઓ બનાવી ગિરનાર જંગલ વિસ્તારમાંથી અંદાજિત 1.5 ટન, જાંબુડી રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના મજુરો તથા આસપાસના ગામના 122 લોકો સાથે અલગ-અલગ ટુકડીઓમાં અંદાજિત 17 ટન, પાટવડ રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના સ્ટાફ અને કરિયા ગામના 21 ગ્રામજનો દ્વારા અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવેલ છે. પરિક્રમા રૂટના બોરદેવી ખાતે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકીના 150 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ 121 ટુકડીઓમાં ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે. જેમાં અંદાજિત 19.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.