આઉટસોર્સ એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હંગામી કર્મચારીઓને સરકાર દ્વારા નક્કી કરેલ આઉટસોર્સ એજન્સી દ્વારા છેલ્લા 3 માસથી પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરતા કર્મચારીઓમાં ભારોભાર રોષ ભભુકી ઉઠયો છે.જેને લઈ વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેટ ડો.એસ.કે પરમાર ને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે. વધુ વિગતો જોઈએ તો વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા ભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છેઅને અહીં ફરજ બજાવતા વર્ગ 3-4 નાં હંગામી કર્મચારીઓને સરકાર દ્વારા નક્કી કરેલ આઉટશોર્શ એજન્સી ડી.આર એન્ટરપ્રાઈઝ દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવતા કર્મચારીઓની આર્થિક સ્થિતિ કથડી છે.વર્ગ 3-4 નાં કર્મચારીઓ સામાન્ય પગારમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે.આ અંગે તેઓએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ તેઓએ આવેદનપત્ર પાઠવી ત્વરિત યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.