રાજ્યમાં 2.38 લાખ વિદ્યાર્થીની બે તબક્કામાં કસોટી: પ્રથમ દિવસે સમય કરતા વહેલા એન્ટ્રી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
- Advertisement -
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આજથી (24 જૂન) શરૂ થઈ છે. ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા અને પોતાનું પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ છે. રાજ્યભરમાં 2.38 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આજે સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 10માં 13,7025 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66,085 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34,920 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. માત્ર પાઉચ, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ અને ટ્રાન્સપરન્ટ પાટીયું જ અંદર લઈ જવા દેવામાં આવી રહ્યું છે. પરીક્ષા અંગે સીએન સ્કૂલના આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે, બોર્ડની ગાઈડલાઈન મુજબ જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. હોલ ટિકિટમાં ચેક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ સાથે લઈ જવા દેવામાં આવી રહ્યું નથી. આજે પ્રથમ દિવસ હોવાથી સમય કરતા વહેલા એન્ટ્રી આપવામાં આવી છે.