જૂનાગઢ જિલ્લા પંચાયત બજેટ બેઠકમાં ભાજપ – કોંગ્રેસ સભ્યોનો હોબાળો
DDOએ સભ્યોને આગળ બેસવાનું કહેતાં મહિલા પતિઓને માઠું લાગ્યું
જિલ્લા પંચાયત સામાન્ય સભા બજેટ બેઠક રદ કાલે ફરી મળશે: DDO
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
નાણાંકીય વર્ષના અંતિમ સપ્તાહે જૂનાગઢ જિલ્લા પંચાયતના વર્ષ 2025-26નાં બજેટ સંદાર્ભે સામાન્ય સામા યોજાઈ હતી. બેઠક શરૂ થાય તે પૂર્વે જ ડીડીઓ અને ભાજપના સભ્યો વચ્ચે શુલ્લક મુદ્દે ચડભડ થતા ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ બજેટ બેઠકમાંથી વોકઆઉટ કર્યો હતો. બેસવા જેવી સામાન્ય બાબતે ભાજપના સભ્યો અને ડીડીઓ વચ્ચે વિવાદ થતા બજેટ બેઠક રદ કરવામાં આવી હતી જે હવે ફરી આવતીકાલે મળશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના નાણાકીય વર્ષના 2025-26નું વિધિવત બજેટ રજૂ થનાર હતું. બજેટ પૂર્વે ડીડીઓની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ બજેટ પાસ કરવા બેઠક યોજાઈ હતી. બજેટ બેઠક શરૂ થાય તે પૂર્વે ડીડીઓ નિતીન સાંગવાને જેઓ જિલ્લા પંચાયતના સભ્ય હોય તેને પ્રથમ હરોળમાં અને આમંત્રિત સભ્યો હોય તેને બીજી હરોળમાં બેસવા જણાવ્યું હતું છતાં સભ્યોએ તેની વાત ગણકારી ન હતી. ડીડીઓએ સભ્ય હોય તેને સ્થાન ગ્રહણ કરવા બે વખત તાકીદ કરવા છતાં પણ ભાજપના સભ્યોએ તેનો અમલ કર્યો ન હતો. આ સમયે જિલ્લા પંચાયતનાં એક સદસ્યાના પતિ દિનેશ ખટારીયાએ ઉભા થઈ બધા સભ્યોને ચાલો, ચાલો એમ કહી બેઠકનો વોક આઉટ કર્યો હતો. ભાજપ ઉપરાંત કોંગ્રેસના સભ્યોએ પણ બેઠકનો બહિષ્કાર કર્યો હતો.
ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં સભ્યોની બેઠક યોજાઈ હતી. એકથી દોઢ કલાક સુધી થયેલી સામૂહિક ચર્ચાના અંતે બજેટ બેઠક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપના સભ્યો દ્વારા અગાઉ ડીડીઓ વિકાસશીલ કાર્યો ન કરતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ વિકાસ માટે જરૂરી એવા બજેટ વખતે જ શાસક અને વિપક્ષે અધિકારીઓ સામે બાયો ચડાવતા જિલ્લા પંચાયત વર્તુળમાં ચકચાર વ્યાપી હતી. નાણાંકીય વર્ષ પૂર્ણ થાય તે પૂર્વે બજેટ પસાર થવું જરૂરી હોય છે જ્યારે જિલ્લા પંચાયતમાં સભ્યો અને અધિકારીની સામસામે તકરારમાં બજેટ પસાર થઈ શક્યું ન હતું.
- Advertisement -
હવે ગુરૂવારે બજેટ અન્વયે બેઠક યોજાશે તેમ ડીડીઓ નીતિન સાંગવાને જણાવ્યું હતું. ખુરશી પર બેસવા જેવીસામાન્ય બાબતમાં સભ્યોને માઠું લાગી આવતા આજની બજેટ બેઠક રદ થઈ ગઈ હતી અને બજેટ પસાર કરવાનું એક બાજુએ રહ્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને મહિલા સભ્યોએ ડીડીઓએ સભ્યો તેમજ આમંત્રીત મહેમાનોને ગેટઆઉટ કહી અપમાનિત કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલાઓના અપમાન મુદ્દે મહિલા આયોગમાં ફરિયાદ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સભ્ય આગળની હરોળમાં બેસે તેવો નિયમ છે. સભ્યની જગ્યાએ અન્ય વ્યક્તિ બેઠા હતા એટલા માટે મેં આગળની હરોળમાં સભ્યો અને ત્યારબાદની હરોળમાં અન્ય વ્યક્તિ બેસે એવી સૂચના આપી હતી. ત્રણવાર સૂચના આપવા છતાં તેને ગણકારવામાં આવી ન હતી. આ દરમ્યાન દિનેશ ખટારીયાએ ઉભા થઈ અન્ય સભ્યોને ઉભા થવા કહી વોકઆઉટ કરાવ્યો હતો. મેં કોઈને ગેટઆઉટ કહ્યું નથી કે કોઈનું અપમાન કર્યું નથી.સમગ્ર બાબતનું વિડિયો રેકોર્ડીંગ છે. જે કોઈ પણ જોઈ શકે છે.
ચૂંટાયેલા મહિલા સભ્યના પતિઓ જયારે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપથી વિવાદ ઉભા થાય છે
સામાન્ય રીતે રાજ્યમાં વિવિધ બેઠકો પર અનેક મહિલાઓ ચૂંટણી લડીને જીતે છે ત્યારે ચૂંટાયેલ મહિલા સભ્યના પતિ જયારે વહીવટી પ્રકિયામાં હસ્તક્ષેપ કરે છે ત્યારે વિવાદ ઉભા થતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. એવું જ કંઈક હવે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના બટેજમાં જોવા મળ્યું છે. અને અને અધિકરી અને ચૂંટાયેલ સભ્યો વચ્ચે ગજગ્રાહ વધતા અંતે જિલ્લા પંચાયતની બજેટ બેઠક રદ કરવી પડી હતી.