લાયસન્સ ન હોવાથી દંડ ભરવાનું કહેતા યુવક ઉશ્કેરાયો
બે યુવકો સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ: માર મારતો હોય તેવો વીડિયો વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ અને જનતા વચ્ચે બોલાચાલી અને માથાકૂટના અનેક વીડિયો સામે આવતા હોય છે, ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. જેમાં રાજકોટ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને એક યુવાન વચ્ચે મારામારી થવા પામી હતી. જેમાં યુવાન લાકડી વડે ટ્રાફિક જવાનને માર મારતો જોવા મળે છે. તો સામે પોલીસ જવાન પણ યુવાનને બેફામ માર મારતો હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. આ બનાવમાં પોલીસે બીજા દિવસે બે યુવકો સામે ફરજમાં રુકાવટ સહિતની કલમો હેથળ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રાજકમલ ફાટક નજીક ફરજ બજાવતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ લખન ભરવાડ અને એક યુવાન વચ્ચે બોલાચાલી બાદ સામ સામે મારામારી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે.વાઇરલ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો અને સંભળાતા શબ્દો મુજબ ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી યુવકે પોલીસને ગાળો આપતા મામલો ગરમાયો હતો. જે બાદ બન્ને વચ્ચે છુટાહાથની મારામારી થવા પામી હતી. યુવક ટ્રાફિક જવાનને લાકડી વડે માર મારતો જોવા મળી રહ્યો છે. તો બીજા વીડિયોમાં યુવકની પાછળ પોલીસ જવાન મોટો પથ્થર લઇ મારવા દોડતો જોવા મળે છે. એટલું જ નહીં ખૂબ લાંબો સમય સુધી બન્ને વચ્ચે બોલાચાલી અને મારામારી સર્જાઈ હતી. આ અંગેની ફરિયાદમાં હેડ કોન્સ્ટેબલ લખનભાઇ સુસરાએ જણાવ્યું છે કે, ગઇકાલે હું મારી ફરજ પર હાજર હતો. ત્યારે ડબલ સવારીમાં આવેલ યુવાન ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં સિગ્નલ તોડી આગળ જતા તેને અટકાવી તેમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સની મેં માંગણી કરી હતી. જેમાં વાહનચાલક યુવાન પાસે લાયસન્સ નહીં હોવાથી મેં દંડ ભરવા કહ્યું હતું. જેના કારણે તે ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો આપી નજીકમાં પડેલ લાકડાના ધોકા વડે મને માર માર્યો હતો અને મારો મોબાઈલ ફોન પણ ઝૂંટવી ફેંકી દીધો હતો. આમ મારી ફરજમાં રુકાવટ તેમજ મને માર મારવા બદલ મેં બન્ને યુવાન નાગજી ગઢવી અને કરણ સામે ફરિયાદ નોંધાવી છે.