હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેટેડ વોર્ડ ઉભો કરાયો, કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિશ્વભરમાં કોરોના બાદ હવે બીજા વાયરસની ચિંતા વધી છે. મંકીપોક્સ નામના વાયરસ અંગે WHOએ પણ નોંધ લીધી છે. જોકે, ભારતમાં હજુ એક પણ કેસ નોંધાયો નથી પરંતુ, તૈયારીના ભાગરૂપે રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફક્ત એટલું જ નહીં 10 બેડનો આઈસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ જરૂર પડ્યે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ હોવાનો દાવો પણ સિવિલ તંત્રએ કર્યો છે. સિવિલ હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડીનેટર ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોઈપણ કેસ સામે આવ્યો નથી પરંતુ, ગુજરાત સરકારની સૂચના મુજબ અત્યારથી જ ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
મંકીપોક્સનાં દર્દીને અલગથી રાખવો જરૂરી હોય છે. ત્યારે કોઈ દર્દી શંકાસ્પદ જણાય અથવા મંકીપોકસ ડીટેકટ થાય તો દર્દી આઇસોલેશનમાં રાખવા માટેની 10 બેડનો આઇસોલેટેડ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઓરી-અછબડા થયા હોય તેને આ રોગ થવાની સંભાવના ઓછી છે. આમ છતાં લોકોને સ્કિન પર લાલ ફોલ્લીઓ થવી જેવા કોઈ લક્ષણો જણાય તો તરત સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવાની અપીલ તેમણે કરી છે.
ભારતમાં હજુ સુધી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી
મંકી પોક્સ વાયરસનાં વિશ્વભરમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા છે. ખાસ કોંગો, રવાંડા, યુગાન્ડા, બુરન્ડી અને કેન્યા સહિતના દેશોમાં વાયરસ ફેલાયો છે. જેને લઈને આ વાયરસનો ડર વિશ્વ ભરના દેશોમાં ફેલાયો છે ભારતમાં હજુ સુધી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી.