ફૂડ પોસ્ટ રેસ્ટોરાંમાં જીવાતવાળો લોટ અને વાસી સલાડ જેવી આઈટમો પીરસાય છે: ફૂડ વિભાગની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
ગરમીની સીઝનમાં લોકો ઠંડક મેળવવા ગોલા ખાવા જાય છે પરંતુ આ ગોલા તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે કારણ કે રાજકોટના અનેક પ્રખ્યાત ગોલાવાળાને ત્યાં વાસી માવાની રબડી મળી આવી છે. સાથે જ 150 ફૂટ રીંગ રોડ પર આવેલું ફૂડ પોસ્ટમાં જીવાતવાળો લોટ અને વાસી સલાડ જેવી અનેક અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવતાં મનપાની ફૂડ શાખાએ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ પોસ્ટ, 150 ફૂટ રિંગ રોડ, અમીન માર્ગને છેડે, ગિરિરાજ હોસ્પિટલ સામે તપાસ કરતાં સ્થળ પર સ્ટોર રૂમમાં સંગ્રહ કરેલો જીવાતવાળો લોટ 45 કિ.ગ્રા., ફ્રીઝમાં રાખેલ સલાડ, ગ્રેવી 5 કિ.ગ્રા. તથા એક્સપાયરી થયેલી બેકરી પ્રોડક્ટસ 5 કિ.ગ્રા. વાસી અખાદ્ય જણાતા કુલ 55 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે તથા લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સિટી આઇસ્ક્રીમ, આશરા ચેમ્બર, રૈયા રોડ, રાજકોટની તપાસ કરતાં સ્થળ પર ફિઝમાં સંગ્રહ કરેલ એકપાયરી ડેટ વગર કે ઉત્પાદનની વિગતો દર્શાવ્યા વગરની પડતર રહેલ રાજ બ્રાન્ડ કેન્ડી વાસી અખાદ્ય જણાતા કુલ 100 નંગ પેકિગ સ્થળ પર નાશ કરવામાં આવ્યો તેમજ લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.
ઉનાળાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલા આઈસ ગોલા વેચાણ કરતાં એકમોના ચેકિંગ ડ્રાઈવ અંગે ફૂડ વિભાગ દ્વારા કુલ-12 એકમોની તપાસ કરવામાં આવેલી તેમજ બરફ ગોલામાં ઉપયોગ કરવામાં આવતી પડતર રહેલી માવાની રબડીનો કુલ 21 કિ.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો તથા બરફ ગોલાના ફલેવર સીરપના કુલ-03 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં આઝાદ હિન્દ ગોલાવાળા પડતર રહેલ માવાની રબડી 03 કિ.ગ્રા.નો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ, રામ ઔર શ્યામ ગોલાવાલા (પેલેસ રોડ)ને ત્યાં, ગાત્રાળ આઈસગોલા (બોલબાલા માર્ગ), રામ ઔર શ્યામ ગોલાવાલા (ભક્તિનગર સર્કલ), રામ ઔર શ્યામ ગોલાવાલા (વીરભગતસિંહ શોપિંગ સેન્ટર)ને ત્યાં પડતર રહેલ માવાની રબડીનો નાશ તથા લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તથા રામકૃપા ગોલાવાલા, ગોરબંદ ગોલા, સહજાનદ ગોલા, સંગમ ગોલા, જય ભવાની ગોલા, રામ ઔર શ્યામ ગોલાવાલા (કાલાવડ રોડ), સંગમ ગોલાની ચકાસણી કરવામાં આવી હતી તેમજ રામ ઔર શ્યામમાંથી સ્ટ્રોબેરી ફલેવર ગોલા માટેનું સીરપ, કાચી કેરી ફલેવર ગોલા માટેનું સીરપ, કાચી કેરી ફલેવર જય ભવાની એન્ટરપ્રાઇઝ, જય ભવાની ડ્રાયફ્રૂટ ડીશ ગોલાવાળાને ત્યાં બરફ ગોલાનું સીરપની ચકાસણી કરવામાં આવી હતી.