નવરાત્રી દરમિયાન હદયરોગ માટે ખાસ વોર્ડ કાર્યરત કરાશે: આજે કલેક્ટર સાથે ગરબા આયોજકોની મિટીંગ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓ માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નવું સીટી સક્ેન મશીન મૂકવામાં આવ્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 6 કરોડ 15 લાખનું સીટી સ્કેન મશીન મૂકવામાં આવ્યું છે. જેના કારણે હવે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવવા જવાની ફરજ પડશે નહીં. રાહત દરે રાજકોટ સૌરાષ્ટ્રના દર્દીઓને સીટી સ્કેન કરી આપવામાં આવશે.
વધુમાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજના માત્ર 8 કે 10 જેટલા દર્દીઓનું સીટી સ્કેન કરવામાં આવતું હતું. ત્યારે ના છુટકે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ધકેલવામાં આવતા હતા. જ્યાં સીટી સ્કેનના દર ઉંચા હોવાના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી. ત્યારે હવે સિવિલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ઉમેરાતા દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવામાંથી મુક્તિ મળશે. તેમજ રાહત દરે સીટી સ્કેન કરવામાં આવશે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં નવરાત્રી તહેવારો દરમિયાન હદરોગ માટે 40 બેડ સાથે ખાસ વોર્ડ ઉભો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીલ્લા કલેકટર આજે સાંજે દાંડીયારાસના આયોજકો સાથે બેઠક યોજશે. જેમાં આયોજકોને આયોજન સ્થળે કોઇ હદયરોગથી બેભાન થાય તો ધ્યાનમાં રાખવા જેવી બાબત અને ચર્ચા કરાશે. આ ઉપરાંત મહાપાલિકા, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ, સિવિલ હોસ્પિટલ, મેડિકલ એસો. વગેરે સાથે સંકલન સાધીને હાર્ટએટેકના વધતા કેસથી બચવા એડવાઇઝરી જાહેર કરવામાં આવશે. તેવું આજરોજ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું. આમ સિવિલમાં તા. 14થી હાર્ટએટેક જેવા કેસો માટે ખાસ વોર્ડ કાર્યરત કરવામાં આવશે.