નેપાળનું કમનસીબ છે કે, ભારત જેવો પાડોશી મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના વધી રહેલા પ્રભાવથી ચીન બહાવરુ બની રહ્યુ છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત સામે ચીને બેફામ નિવેદનો કરવા માંડ્યુ છે. નેપાળમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નેપાળ સ્થિત ચીનના રાજદૂત ચેન સોંગે તમામ પ્રકારના ડિપ્લોમેટિક પ્રોટોકોલ બાજુ પર મુકીને ભારત સામે ઝેર ઓક્યુ હતુ.
આ કાર્યક્રમમાં નેપાળી સંસદની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ પણ હાજર હતા.રાજદૂત સોંગે કહ્યુ હતુ કે, ભારત સાથે નેપાળે સાવધાની પૂર્વક વેપાર કરવો જોઈએ.નેપાળનુ કમનસીબ છે કે, તેને ભારત જેવો પાડોશી મળ્યો છે.જોકે ભારત એક મોટુ માર્કેટ છે અને નેપાળ તેનો ઉપયોગ કરી શકે છે.ભારતની નેપાળ તેમજ બીજા પાડોશી દેશો પ્રત્યેની નીતિ મિત્રતાપૂર્ણ નથી.
નેપાળ માટે તે ફાયદો કરાવનારી પણ નથી.તેમણે કહ્યુ હતુ કે, ભારત અને નેપાળ વચ્ચે વીજળી માટેની ડીલ નેપાળ માટે નુકસાનકારક છે.નેપાળ કૃષિ ઉત્પાદનો માટે પણ ભારત પર નિર્ભર છે.રાજદૂત સોંગે બીજી તરફ દુનિયાના ઘણા દેશોને દેવામાં ડૂબાડી દેનાર ચીનના બેલ્ટ રોડ ઈનિશિએટિવને નેપાળ માટે ફાયદાકારક ગણાવ્યો હતો.ચીનના રાજદૂતનુ ઇવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ચીનની યાત્રા પર જવાના છે.બીજી તરફ રાજદૂતના નિવેદનો બાદ નેપાળના રાજકીય નિષ્ણાતોએ આ પ્રકારના નિવેદનને યોગ્ય ગણાવ્યુ નથી.