ખાસ-ખબર ન્યૂઝ પાકિસ્તાન, તા.2
ચીન હવે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના કાશ્ર્મીરમાં કામ કરતા તેના નાગરિકોની સુરક્ષા પોતાના હાથમાં લઈ રહ્યું છે. આ માટે ચીને પીપલ્સ આર્મીના જવાનોને તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. ચીનનું માનવું છે કે પાકિસ્તાન આ વિસ્તારમાં તેના જવાનોને પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે. આવી સ્થિતિમાં ચીન ઈચ્છે છે કે કાં તો તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં આવે અથવા તો કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવે. હાલમાં જ બંને દેશોના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં ચીનના સેનાને તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી પાકિસ્તાન પોતાની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીનો વિરોધ કરતું આવ્યું છે. પરંતુ તાજેતરના સમયમાં ચીની કામદારો પર વધતા હુમલાઓને લીધે ઈસ્લામાબાદને હવે બેઈજિંગ સામે ઝૂકવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. ચીને પાકિસ્તાનને કહ્યું છે કે જો તે સુરક્ષાની ગેરંટી ન આપી શકે તો રોકાણ માટે વિદેશીઓ તરફ હાથ લંબાવવાનું બંધ કરે. જ્યારે તેઓ સુરક્ષિત અનુભવશે ત્યારે તેઓ આવશે અને રોકાણ કરશે. અગાઉ ચીને 2023 અને 2024માં તેની વિદેશ નીતિમાં પાકિસ્તાનને ‘સર્વોચ્ચ પ્રાથમિકતા’ લિસ્ટમાંથી હટાવીને ‘પ્રાથમિકતા’વાળી લિસ્ટમાં મૂક્યું હતું.
જે દર્શાવે છે કે ઈસ્લામાબાદે હજુ સુધી પાકિસ્તાનની અંદર ચીની નાગરિકોની સ્થિરતા અને સુરક્ષાને લઈને બેઈજિંગની ચિંતાઓ પર ધ્યાન આપ્યું નથી. આતંકવાદનો સામનો કરવા માટે ચીન ગિલગિટ બાલ્ટિસ્તાનના પોલીસ દળને પણ તાલીમ આપવા જઈ રહ્યું છે. ચીન આ કામ તબક્કાવાર કરશે. પ્રથમ તબક્કામાં તે ગિલગિટ બાલ્ટિસ્તાનના પોલીસ દળને તાલીમ આપશે. ત્યારબાદ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાની કાયદા અમલીકરણ એજન્સીઓને તાલીમ આપશે. ચીને પાકિસ્તાનને કહ્યું છે કે હવે તેની સંસ્થાઓ પર ત્રણ સ્તરીય સુરક્ષા હશે. સૌથી બહારની સુરક્ષા સ્થાનિક પોલીસની હશે જેઓ 2થી 5 કિલોમીટરની વચ્ચેના વિસ્તારોને કોર્ડન કરશે અથવા સ્ક્રીનિંગ કરશે. સુરક્ષાનું બીજું સ્તર પાકિસ્તાન આર્મીનું હશે જે 1 કિમીથી 2 કિમીની ત્રિજ્યા સુધી સુરક્ષા પ્રદાન કરશે. જવાનોની નજીકની સુરક્ષા સ્થાનિક સુરક્ષા કંપનીઓ તેમજ ચીની કમાન્ડો દ્વારા પૂરી પાડવામાં આવશે. જ્યાં પણ ચીની કર્મચારીઓની અવરજવર હશે ત્યાં આ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. પીઓકેમાં ચીને પોતાના કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી ઘણી પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓને સોંપી છે. આ એજન્સીઓને પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારીઓ ચલાવે છે. ચીની સેના તેમની સંપૂર્ણ તપાસ કરે છે અને ચીની કમાન્ડો તેમને તાલીમ આપે છે. આ પછી આ લોકો ચીની સંસ્થાઓની સુરક્ષા પૂરી પાડે છે. આ બ્લેક વોટર એજન્ટી તરીકે કામ કરે છે. હવે નવી વ્યવસ્થામાં આ સુરક્ષાકર્મીઓની સાથે ચીની કમાન્ડો પણ તહેનાત કરાશે. આ વર્ષે માર્ચમાં ચીની સંસ્થાઓને નિશાન બનાવીને એક પછી એક ત્રણ હુમલા થયા હતા. પહેલા બલૂચિસ્તાનમાં ગ્વાદર બંદર પર હુમલો કર્યો. આ બંદર ચીનની મદદથી બન્યો છે. બીજો હુમલો પાકિસ્તાનના સૌથી મોટા નેવલ બેઝમાંના એક પર સશસ્ત્ર જૂથ દ્વારા કરાયો હતો. આ નેવલ બેઝ પણ બલૂચિસ્તાનમાં છે. ત્રીજો હુમલો ખૈબર પખ્તુનખ્વામાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરી રહેલા ચીની ઈજનેરો પર હતો.