મુઇજ્જૂએ ચૂંટણી પ્રચારમાં ચીન સમર્થક અને ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
માલદીવમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં મોહમ્મદ મુઇજ્જૂએ જીત મેળવી છે. જેથી તેઓ માલદીવના આગામી રાષ્ટ્રપતિ બનશે. જોકે માલદીવમાં થયેલુ આ પરિવર્તન ભારતની મુશ્ર્કેલી વધારી શકે છે. કેમ કે માલદીવના રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા મોહમ્મદ મુઇજ્જૂ ચીન સમર્થક છે. તેઓએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોહિલને હરાવીને સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. આ પહેલા 2018માં જ્યારે માલદીવમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે સોહિલે મુઇજ્જૂની પાર્ટીના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ યામીનને હરાવીને સત્તા પ્રાપ્ત કરી હતી.
અબ્દુલ યામીન પણ ચીન સમર્થક રહ્યા છે અને ચીન પાસેથી કરોડોની લોન લીધી હતી. જેને કારણે હવે સત્તા તેના પક્ષના હાથમાં આવવાથી માલદીવ અને ચીનના સંબંધો વધુ મજબૂત થઇ શકે છે. જેની અસર ભારત અને માલદીવના સંબંધો પર થઇ શકે છે. ચીન ભારતના મોટા ભાગના પાડોશી દેશો પર નજર રાખીને બેઠુ છે. તે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોને મોટી લોન આપીને દેવામાં ડુબાડીને પોતાનું ગુલામ બનાવી રહ્યું છે. અને હવે તેમાં માલદીવનો પણ સમાવેશ થઇ શકે છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા તે પહેલા મુઇજ્જૂ માલદીવના શહેર માલેના મેયર હતા. આ દરમિયાન તેઓ અનેક વખત માલદીવ અને ચીન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની વાતો કરી ચુક્યા છે. તેમના પક્ષ પીપલ્સ નેશનલ કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન સોહિલ પર ભારતીય સમર્થક હોવાના આરોપો લગાવ્યા હતા અને માલદીવના લોકોને ભારત વિરૂૂદ્ધ ભડકાવ્યા પણ હતા. એટલે કે ભારત અને માલદીવના સારા સંબંધોને તેઓએ ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બનાવી દીધો હતો. ભારતને સાઇડલાઇન કરવું મુઇજ્જૂને ભારે પડી શકે છે. કેમ કે માલદીવમાં શાંતિ માટે ભારત સૈન્ય સહિતની મદદ કરી છે.