બે વર્ષ સુધી ગણપતિની માટીની મૂર્તિ જાતે બનાવી સ્થાપિત કરી, આ વર્ષે તૈયાર મૂર્તિની સ્થાપના કરી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ઠેર-ઠેર ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ઘરેથી માંડીને મોટા-મોટા પંડાલોમાં ગણપતિની સ્થાપના કરી ભક્તો ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરી રહ્યા છે. ગણેશ મહોત્સવ દરમિયાન મોટાપાયે આયોજનો, દુંદાળા દેવની વિશાળ પ્રતિમાઓ, અદ્દભુત ડેકોરેશન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થતા હોય છે. તો વળી વિવિધ થીમ આધારીત ગણપતિની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટમાં એક ગણપતિ મહોત્સવ એવો પણ થાય છે કે જ્યાં ગણેશોત્સવનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવે છે.
શહેરના એરપોર્ટ રોડ પર આમ્રપાલી પાછળ આવેલી ચંદ્રનગર અને હરીપાર્ક સોસાયટીના 8 થી 18 વર્ષના બાળકો છેલ્લા ત્રણ વર્ષથી ગણેશોત્સવનું અનોખું આયોજન કરી રહ્યા છે. શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને આસપાસ થતા ગણેશ મહોત્સવના આયોજનો જોઇને આયોજન કરવાનો વિચાર આવ્યો હતો.
આ ગણેશોત્સવમાં ફંડથી લઇને મંડપ, મૂર્તિ, પ્રતિષ્ઠા અને પ્રસાદી સુધીની તમામ વ્યવસ્થા બાળકો દ્વારા કરવામાં આવે છે. ગણેશોત્સવનું સફળ અને સુચારું આયોજન કરવા માટે મોટી રકમ અને ભારે મહેનતની જરૂર પડતી હોય છે. ત્યારે બાળકો દ્વારા થયેલું આ આયોજન ખરેખર કાબિલેદાદ છે. આ પ્રકારની પ્રવૃતિ ધાર્મિક ગુણો સાથેસાથે તેમનામાં જવાબદારી અને સુચારુ કાર્યપદ્ધતિના ગુણોને વિકસાવે છે. જે તેઓને ભવિષ્યમાં જીવન ઘડતરમાં ઉપયોગી બની રહેશે.
- Advertisement -
ગણપતિ સ્થાપના કરવાની પ્રેરણા ક્યાંથી મળી એ પ્રશ્નનો ઉત્તર આપતા નેમીન અજમેરા જણાવે છે કે, અમે 5 થી 6 મિત્રો પાંચમા અને છઠ્ઠા ધોરણમાં ભણતા હતા, ત્યારે જાતે ગણપતિની માટીની નાની મૂર્તિ બનાવતા અને તેની પૂજા-આરતી કરતા હતા. સાંજના સમયે ઘરની બહાર ઓટલા પર ટ્રેમાં મૂર્તિ સ્થાપતિ કરી બાપ્પાની આરતી કરતા હતા. બે વર્ષ સુધી જાતે માટીની મૂર્તિ બનાવી હતી. બાદમાં અમારાથી ઉંમરમાં મોટા મિત્રોની મદદથી પંડાલમાં ગણપતિ બેસાડવાનું નક્કી કર્યુ હતું. ગયા વર્ષે બધા મિત્રોએ ભેગા મળીને સોલ્જરીમાં ગણેશ સ્થાપના કરી હતી. આ વર્ષે શેરીઓમાંથી ફાળો ઉઘરાવી બાપ્પાની સ્થાપના કરી છે. બધા મિત્રો શાળા અને કોલેજમાં ભણતા હોવાથી પૂજા-આરતીની તૈયારીઓમાં માતાઓ પણ મદદ કરે છે. તેમજ અન્ય મહોત્સવની જેમ બાળકો આરતી ડેકોરેશન અને મહા આરતી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરે છે.
આ ઉત્સવનું આયોજન કરનારા બાળકોના ગૃપમાં 12 બાળકો છે. જેમાં નેમીન અજમેરા, મીહિર ભટ્ટી, નીર્મય પારેખ, ધ્રુમીલ મગદાની, જેનીલ પામેલ, હર્ષિત ચંદનાણી, હર્ષ ભટ્ટી, પૂર્વેશ સીમેજીયા, જયદીપ સાકરીયા, રચીત લાલ, હીમાંશુ પડિયા અને અભિષેક છાંટબારના નામનો સમાવેશ થયા છે. આ બાળકોનું ગૃપ ગણેશોત્સવને સફળ બનાવવા 3 વર્ષથી ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.