કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે વધારે ખતરનાક હોવાની આશંકાઓ વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે કેન્દ્ર સરકારે એવા સંકેત આપ્યા છે કે બાળકો માટે કોરોના રસી આ મહિને જ આવી શકે છે.નીતી આયોગના સભ્ય ડો.વી.કે.પોલે જણાવ્યુ હતું કે ‘કોવેકિસન’ના બાળકો પર પરીક્ષણ શરૂ થયા છે અને તેના પૂરા થવામાં વધુ સમય નહી લાગે કારણ કે પરિક્ષણ પ્રતિરોધક ક્ષમતાનાં થાય છે.જયારે ઝાયડસ કેડીલાની રસીનાં પરિક્ષણ બાળકો પર થઈ ચૂકયા છે અને આશા છે કે આગામી બે સપ્તાહમાં તે લાયસન્સ માટે આવી શકે છે. રસીને મંજુરી આપતી વખતે તેને બાળકોને આપવાને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે.
કેડીલાની વેકિસનના પરિક્ષણમાં 800 થી 1000 બાળકો સામેલ કરાયા હતા તેમની વય 12 થી 18 વર્ષની વચ્ચેની હતી આથી આ રસીને 12 થી 18 વર્ષની આયુ વર્ગનાં બાળકોને મળવાના પ્રબળ શકયતાઓ છે. અલબત અંતિમ ફેસલો વિશેષજ્ઞ સમુહ પરિક્ષણનાં આંકડાના આધારે લેવામાં આવશે. જો કંપની સપ્તાહમાં લાયસન્સ માટે આવેદન કરે છે તો વધુમાં વધુ એક સપ્તાહ મંજુરીની પ્રક્રિયામાં લાગશે.
- Advertisement -
◆ જરૂરીયાત: ડો.વી.કે.પોલે જણાવ્યુ હતું કે 12 થી 18 વર્ષનાં આયુષ્ય વર્ગની વસ્તી 12 કરોડ છે. તેમના માટે 25 કરોડથી 26 કરોડ રસીની જરૂર પડશે. આવનારા દિવસોમાં અનેક રસીઓ ઉપલબ્ધ થશે તો સરળતા રહેશે.
◆ આગળ શું: આગામી ચરણમાં કેડીલા 12 વર્ષથી ઓછી વયના બાળકો પર પરિક્ષણ કરશે.કંપનીનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે ત્રણેય તબકકાનાં પરિક્ષણ પૂરા થઈ ગયા છે તથા આંકડા મેળવાઈ રહ્યા છે ટુંક સમયમાં આવેદન કરાશે.
◆ દુનિયામાં: બ્રિટને શુક્રવારે ફાઈઝરની વેકિસનને 12 થી 15 વર્ષના બાળકોને મુકવા માટે મંજુરી આપી દીધી છે. અમેરિકામાં આ વય વર્ગના બાળકોને રસી અપાઈ રહી છે. જયારે ફ્રાન્સ અને જર્મની આ મહિનાથી રસી આપવાની યોજના બનાવી રહ્યા છે.